દુબઇ : આઇપીએલની ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે માત્ર એક જ મેચ બાકી રહી ગઈ છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ અગાઉ પણ આઇપીએલનો તાજ જીતી ચૂકી છે પરંતુ દિલ્હી માટે આ પહેલી તક છે. દિલ્હી ક્યારેય આઇપીએલનું ટાઇટલ જીતી શકી નથી.
જોકે તે સિવાય પણ દિલ્હીના એક ખેલાડી માટે તક રહેલી છે અને તે છે શિખર ધવન. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શિખર ઘવને ૫૦ બોલમાં ૭૮ રન ફટકાર્યા હતા. આ સાથે ધવન હવે આ સિઝનમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનમાં બીજા ક્રમે આવી ગયો છે. કિંગ્સ ઇલેવન પંજાબના લોકેશ રાહુલે ૧૪ મેચમાં ૬૭૦ રન ફટકાર્યા હતા જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થતો હતો.
શિખર ધવન અત્યાર સુધીમાં ૬૦૩ રન ફટકારી ચૂક્યો છે અને મંગળવારની ફાઇનલમાં તે વધુ ૬૮ રન નોંધાવે તો આ સિઝનની ઓરેન્જ કેપ તેના નામે થઈ શકે તેમ છે. ધવને આ સિઝનમાં બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે. જોકે ફરક એટલો જ છે કે લોકેશ રાહુલ તેના ૬૭૦ રન માટે ૧૪ મેચ રમ્યો છે જ્યારે શિખર ધવન ૧૬ મેચ તો રમી ચૂક્યો છે અને ફાઇનલ મેચ તેની ૧૭મી મેચ રહેશે. એવરેજમાં પણ રાહુલની ૫૫.૮૩ની એવરેજ સામે ધવન ૪૬.૩૮ની એવરેજ ધરાવે છે. જોકે રહાલુ કરતાં ધવને એક સદી વધુ ફટકારી છે.