ન્યુ દિલ્હી : બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું, આઈપીએલ ૨૦૨૧ની બાકી મેચોનું આયોજન ભારતમાં નહીં થાય. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કોરોના પોઝિટિવ થયા બાદ ગત અઠવાડિયે લીગને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ હતી.
ગાંગુલીએ કહ્યું, એમ કહેવું સરળ નથી કે ટુર્નામેન્ટને પહેલાથી જ રોકી દેવી જોઈતી હતી. તેમણે કહ્યું, આઈપીએલનું આયોજન ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ અને ઈંગ્લેન્ડની સિરીઝ પહેલા નહીં થાય. ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી ભારતે ત્રણ વન-ડે અને ૫ ટી-૨૦ રમવા શ્રીલંકા જવાનું છે. તેમણે ઈંગ્લેન્ડની ફૂટબોલ લીગ ઈપીએલનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ મેચ રીશિડ્યૂલ કરી દે છે. આઈપીએલમાં એવું શક્ય નથી.
ગાંગુલીએ કહ્યું, ટીમ ઈન્ડિયા જુલાઈમાં મર્યાદિત ઓવરોની સિરીઝ રમવા શ્રીલંકા જશે. આ દરમિયાન ત્યાં ૫ ટી-૨૦ અને ૩ વન-ડે રમાઇ શકે છે. આ પ્રવાસે કોહલી અને રોહિત જેવા મોટા નામ નહીં હોય કેમ કે તેઓ ઈંગ્લેન્ડ સામે ૫ ટેસ્ટની શ્રેણી રમવા ઈંગ્લેન્ડ જશે.