આણંદ : શહેરના પાધરીયા વિસ્તારમાં લેન્ડ જેહાદની ઘટનાઓ અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આજે પાધરીયા ખ્રિસ્તી જાગૃતિ મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલી ૩૨ થી વધુ સોસાયટીઓમાં ખ્રિસ્તી પરિવારો શાંતિપુર્વક રહેતા આવેલા છે. જ્યારે અન્ય સમુદાયના લોકો ખુબ જ ઓછી સંખ્યામાં વસવાટ કરે છે. આ વિસ્તારમાં ખ્રિસ્તી પાધરીયો દ્વારા ચલાવવામાં આવતી શાળા સંકુલ ચર્ચ પરિસર તથા ગર્લ્સ હોસ્ટેલ આવેલા છે. પરંતુ વર્ષ ૨૦૦૨ માં ગોધરા કાંડ બાદ મુસ્લીમોનું અતિક્રમણ થયેલ છે અને પારાવાર ત્રાસ આપવાના બદઈરાદે વારંવાર ખ્રિસ્તી સમાજ સાથે હેતુપુર્વક ઘર્ષણ ઉભું કરી ટોળાશાહી અને હથીયારો સાથે આ વિસ્તારમાં લેન્ડ જેહાદની ગતિવિધિ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં મયુર સોસાયટી, અનુરાધા સોસાયટી, શ્રેયશ સોસાયટી, એક્તાનગર અને સેન્ટ મેરીટપાર્કમાં શાંતિમય જીવન પસાર કરતા લોકો ભય અને ડરને લઈને હીઝરત કરી રહ્યા છે અને અંદાજે ૧૦૦ થી વધુ મકાનો મુસ્લીમોએ ખરીદી લીધા છે. આણંદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બહુમતી હિન્દુ પ્રજા જે સામાજીક આર્થિક અને રાજકીય રીતે સક્ષમ હોવા છતાં મુસ્લીમ કોમ દ્વારા સામ દામ અને દંડ ભેદની નીતિ અખ્તયાર કરતા ઘણા સંઘર્ષ ભરેલા બનાવો બનેલા છે. અને જેને લઈને હિન્દુ બહુલ વિસ્તારો પણ લઘુમતી વિસ્તારોમાં ફેરવાઈ જતા સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મુસ્લીમ સમાજના લોકો હેમકેમ પ્રકારે ખ્રિસ્તી વિસ્તારોમાં પણ અવાર નવાર છમકલા કરવા યુવતીઓને હેરાન પરેશાન કરી એકાદ મકાન સામ દામ દંડ ભેદની નીતિથી પડાવી લઈ સોસાયટીમાં ટંટાફીસાદ ઉભા કરવા અને માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી પાધરીયા વિસ્તારને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવાની માંગ સાથે આજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.