Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના આઠ તાલુકામાં ૯૧૬૭૧ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી અપાઇ…

આણંદ તાલુકામાં ૩૧૫૨૧ સૌથી વધુ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી…
સીનિયર સિટીઝનો અને ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બિમારી ધરાવતા હોય તેઓને કોરોનાની રસી મૂકાવી દેવા અપીલ…

આણંદ : રાજ્યભરમાં તા.૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આણંદ જિલ્લાના આઠ તાલુકામાં તા. ૨૩ સુધીમાં ૯૧૬૭૧ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી છે.

આણંદ જિલ્લાના ૮(આઠ) તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૨૧૦૨૬૪ લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ  અને જિલ્‍લા વિકાસ અધિકારી
શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી.છારીની દેખરેખમાં આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્‍યારસુધીમાં એટલે કે તા. ૨૩મી સુધીમાં ૯૧૬૬૭સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે. સૌથી વધુ આણંદ તાલુકામાં ૩૧૫૨૧ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં ૩૫૭૦, બોરસદ તાલુકામાં ૧૧૨૨૪,ખંભાત .તાલુકામાં ૧૪૫૮૫, તારાપુર તાલુકામાં ૨૫૮૩,પેટલાદ તાલુકામાં ૧૫૬૮૮,સોજીત્રા તાલુકામાં ૪૨૦૭ અને ઉમરેઠ તાલુકામાં ૮૨૯૩ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જિલ્‍લાના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે ૭૭ સરકારી હોસ્પિટલ ખાતે અને
૧૨ ખાનગી હોસ્‍પિટલ ખાતે  કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં ૯૧૬૭૧ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે.

આણંદના મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના પીએચસી, સીએચસી અને સરકારી દવાખાનામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને વિના મુલ્યે કોરોનાની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત તા.૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર ૨૩ જ દિવસમાં ૪૧  ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે. કોરોનાની રસી લેનાર સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીથી કોઇ આડઅસર થતી નથી અને રસી લેવી જરૂરી છે. જેથી કરીને કોરોના સંક્રમણ અટકાવી શકાય. રાજ્ય સરકારના આભારી છીએ કે, પ્રથમ ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોના રસી આપવાની શરૂઆત કરી છે.

જયારે આણંદ  જિલ્‍લામાં અગાઉ આરોગ્‍ય, પોલીસ, આઇ.સી.ડી.એસ. નગરપાલિકા, રેવન્‍યુ પંચાયત અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ મળી ૨૭૪૫૦ અધિકારી-કર્મચારીઓને કોરોનાની પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો હતો તે પૈકી અધિકારીઓ-કર્મચારીઓને જિલ્‍લાની વિવિધ રર શાખાઓ દ્વારા રસીકરણની. ૭૫  ટકા જેટલી કામગીરી પુર્ણ કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના  માર્ગદર્શન હેઠળ ૧૦૦ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, આણંદ જિલ્‍લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે.

ડૉ. છારીએ જિલ્‍લાના હજુ પણ સીનીયર સિટીઝનો અને ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બિમારી ધરાવતા હોય તેઓને કોરોનાની રસી મૂકાવી દેવાની અપીલ કરી આ રસીકરણમાં જનતાનો પૂર્ણ સહયોગ અને સહકાર મળશે તેવી આશા વ્‍યકત કરી છે.

Related posts

કેનેડામાં બોરસદની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

Charotar Sandesh

આણંદ : વલ્લભ વિદ્યાનગર ઈસ્કોન મંદિર ખાતે સ્નાનયાત્રા મહોત્સવ યોજવામાં આવ્યો…

Charotar Sandesh

વડતાલધામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની દબદબાભેર ઉજવણી

Charotar Sandesh