Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : બંધન બેન્કમાં ૮૯ લાખની લુંટ કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ…

બેંકના જ પૂર્વ કર્મચારી સહિત ૩ની ધરપકડ…

પૂર્વ કર્મચારી  સંદિપે ભાઈ પ્રફુલભાઈ અને તેમના ફરસાણના કારખાનામાં નોકરી કરતા રફીક સાથે મળીને લૂંટ કરી હતી : ૮૪.૪૯ લાખ ઉપરાંતની રોકડ જપ્ત…

આણંદ : ૧૩ દિવસ પહેલાં આણંદ શહેરના સો ફુટના રોડ ઉપર આવેલી બંધન બેંકમાં થયેલી ૮૮.૯૭ લાખ ઉપરાંતની ચકચારી લૂંટનો ભેદ ઉકેલી નાંખવામાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. પોલીસે બેંકના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડીને ૮૪.૪૯ લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ડીએસપી અજીત રાજીઅને એક પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતુ કે, ૨૩મી તારીખના રોજ સવારના ૯.૧૫ કલાકે બંધન બેંકમાં ત્રણેક જેટલા લૂંટારાઓ ઘુસી ગયા હતા અને શટર પાડી દઈને બેંકના ચાર કર્મચારીઓને એરગન, છરી જેવા હથિયારો બતાવીને ધમકાવી કપડાથી બાંધી દઈને વોલ્ટ રૂમમાં પૂરી ૮૮,૯૭,૯૫૦ની રોકડ રકમની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે શહેર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસનો દોર હાથ ધર્યો હતો. આણંદના ઈતિહાસની આજદિન સુધીની સૌથી મોટી રોકડ રકમની બેંક લૂંટ થતાં જ ડીએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને સીસીટીવી ફુટેજ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની પણ ટીમ તપાસમાં જોતરાઈ હતી.

દરમ્યાન એલસીબી પીઆઈ હરપાલસિંહ ચૌહાણની આગેવાની હેઠળ તપાસ કરતી ટીમના હિતેષભાઈ, દેવેન્દ્રભાઈ અને જાલમસિંહે બંધન બેંક અને સો ફુટના રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ કરતાં એક ટીયાગો ગાડી જોવા મળી હતી જેનો ચોક્કસ નંબર મેળવીને તેના આધારે તપાસ કરતા આ કારનો માલિક મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં ૨૨-૨-૨૦૨૦ને શનિવારના રોજ સાંજના સુમારે તેનો મિત્ર સંદિપ પંચાલ પોતાની સગાઈ માટે છોકરી જોવા બોરસદ જવુ છે તેમ કહીને લઈ ગયો હતો. અને બીજા દિવસે રવિવારે સાડા દશેક વાગ્યાના સુમારે સંદિપનો ભાઈ પ્રફુલ્લ અને રફીકભાઈ કાર પરત કરી ગયા હતા. જેથી પોલીસે સંદિપ પંચાલની તપાસ કરતાં તે અગાઉ બંધન બેંકમાં કી હોલ્ડર તરીકે નોકરી કરતો હતો. આ માહિતી મળતાં જ પોલીસે સંદિપ પંચાલ (રે. લાંભવેલ, શ્રી વિહાર સોસાયટી)ની તપાસ હાથ ધરીને તેને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે પોતાના ભાઈ પ્રફુલભાઈ ઉર્ફે પપ્પુ ચીમનભાઈ પંચાલ અને તેની રજવાડી ફરસાણના કારખાનામાં નોકરી કરતા રફીક અશરફભાઈ મલેક (રે. મુળ સિંહોલ, હાલ, સલાટીયા ફાટક, મહંમદી સોસાયટી)સાથે મળીને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાતના આધારે પોલીસે પ્રફુલ અને રફીકને પણ ઝડપી પાડ્યા હતા. ત્રણેયની અલગ-અલગ પૂછપરછ કરતાં લૂંટનો પ્લાન અગાઉ બંધન બેંકમાં નોકરી કરતાં સંદિપ પંચાલે તેના ઘરે બનાવ્યો હતો. જેમાં તે બંેકની સમગ્ર કાર્યપધ્ધતિ અને રવિવારે બેંકમાં મોટી કેસ હોય છે તેમજ ગ્રાહકોની પણ અવરજવર ખાસ કાંઈ હોતી નથી. તેમજ સો ફુટના રોડ ઉપર મોટાભાગે દુકાનો બંધ રહેતી હોય લૂંટ કરવામાં એકદમ સરળતા રહેશે તેમ માનીને રવિવારનો દિવસ નક્કી કર્યો હતો. તેઓએ આવવા-જવાના રોડ રસ્તા તથા સીસીટીવી કેમેરામાં કેદ ના થઈ જવા તે માટેનું પણ પૂરેપૂરુ ધ્યાન રાખ્યું હતુ. ૨૩મીએ સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે તેઓ કારમાં સવાર થઈને છરી, સેલો ટેપ, બેંકના કર્મચારીઓને બાંધવા માટેના કપડાંના ટુકડાઓ લઈને બંધન બેંક આગળ પહોંચી ગયા હતા. નવેક વાગ્યાના સુમારે કર્મચારીઓએ આવીને બેંક ખોલી કામમાં જોતરાય તે પહેલાં જ ૯.૧૫ કલાકે સીસીટીવી કેમેરામાં કાર કેદ ના થઈ જાય તે રીતે પાર્ક કરીને પ્રફુલ અને રફીક બેકમાં ગયા હતા અને એરગન અને છરી બતાવીને કર્મચારીઓને બંધક બનાવી બેસાડી દીધા હતા. ત્યારબાદ શટર ઊંચુ કરીને સંદિપને પણ અંદર બોલાવી લીધો હતો. માસ્ક પહેરીને અંદર ગયેલા સંદિપે વોલ્ટની બન્ને ચાવીઓ માંગીને વોલ્ટ રૂમના ત્રણ દરવાજા ખોલીને તિજોરીમાંથી રોકડા ૮૮,૯૭,૯૫૦ બે થેલામાં ભરીને ચારેય કર્મચારીઓને વોલ્ટ રૂમમાં પુરી દઈને ચાવીઓ લઈને ભાગી ગયા હતા. પોલીસે સંદિપના ઘરમાં આવેલા બીજા માળની અભરાઈ ઉપર એક બેગમાં છુપાવી રાખેલા રોકડા ૮૪,૪૯,૩૫૦ જપ્ત કર્યા હતા. બીજા ૪,૪૮,૬૦૦ અત્યાર સુધીમાં તેઓએ વાપરી નાંખ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેયની લૂંટના ગુના સંદર્ભે ધરપકડ કરીને બે કારો, મોબાઈલ ફોન વગેરે જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધ : જાહેરનામું

Charotar Sandesh

કોરોનાને ફેલાતો અટકાવવા આણંદ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ : મોટી સંખ્યામાં ભેગા થવું નહીં…

Charotar Sandesh

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh