આણંદ શહેરમાં રિલાયન્સ મોલ સહિત બિગ બજાર બંધ કરાયો, બે દિવસમાં શહેરના અન્ય મોલમાં સ્ટાફની મેડિકલ તપાસ…
આણંદ : શહેરમાં આવેલ રિલાયન્સ મોલ બાદ આજરોજ બીગબજાર મોલમાં પણ ૩ પોઝીટીવ કેસો મળી આવતા તંત્રદ્વારા સમગ્ર મોલ ને સીલ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ આણંદમાં ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ વિસ્તારમાં ધનલક્ષ્મી ટાવરની સામે આવેલ રિલાયન્સ મોલમાં ૧ર કર્મચારીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. તમામ પોઝિટિવ કર્મચારીઓને બાકરોલ સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત પાલિકા દ્વારા મોલને સેનેટાઇઝ કરીને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આજરોજ બપોરે વિદ્યાનગર રોડ ઉપર આવેલ બિગ બજારમાં પણ ત્રણ કર્મચારીઓ તપાસ દરમ્યાન પોઝીટીવ આવેલ છે, જેને લઈ શહેરમાં ફફડાટ વ્યાપ્યો છે.
જે બાદ આરોગ્ય વિભાગની સાથે સામેલ પાલિકાની ટીમે તુરંત જ મોલમાં સેનેટાઇઝ સહિતની ગાઇડલાઇનનુસારની કામગીરી હાથ ધરી હતી. પોઝિટિવ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા બાકરોલ કોવિડ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકા સહિત તંત્રના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રિલાયન્સ મોલ સહિત બિગ બજારને બંધ કરાવીને કોવિડ-૧૯નું સૂચનાદર્શક બોર્ડ મૂકવામાં આવ્યું હતું.
બીજી તરફ, સરકારી ચોપડે જિલ્લામાં આજરોજ અન્ય ૩ કેસો સામે આવ્યા છે, જેમાં (૧) ભરતભાઈ છમનભાઈ સાંગવી, ઉ.વ. ૫૪, રહે. શારદા મંગલમ ફ્લેટ, નવા બસ સ્ટેન્ડ,આણંદ (ર) પ્રમોદકુમાર તડપદા, ઉ.વ. ૨૪, ટેલિફોન ખારી પાસે, ઓડ (૩) પરસોત્તમભાઈ સી. પટેલ ઉ.વ. ૮૬, રહે. મોટા અડધ, ટાવર બજાર, આણંદ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે.