નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે આર્થિક રીતે સંકટમાં આવી ગયેલું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ગમે તેમ કરીને ભારતીય ટીમને પોતાના મેદાનો પર રમવા આમંત્રણ આપવા આતુર છે અને આ માટે તેણે તૈયારીઓ પણ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયન બોર્ડને ટી૨૦ વર્લ્ડ કપ કરતાં પણ વધારે ચિંતા ભારતની ટીમના પ્રવાસને લઈને છે. આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ ઓક્ટોબરમાં ટીમને ઓસ્ટ્રેલિયા નહીં મોકલે. આ તરફ ઓસ્ટ્રેલિયાએ તો મેચની તારીખો અને સ્થળ સહિત પ્રોગ્રામ પણ બનાવી દીધો છે.
ઓસ્ટ્રેલિયન બોર્ડે જાહેર કરેલા પ્રોગ્રામ મુજબ ભારતીય ક્રિકેટ ટીમ ૧૧મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ સિરીઝ રમનારી છે. જોકે બીસીસીઆઈના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ટી૨૦ સિરીઝનો કાર્યક્રમ બદલાઈ શકે છે. તેમણે જણાવ્યુ કે જો કોરોના વાયરસને કારણે આઇસીસી દ્વારા ટી૨૦ વર્લ્ડ કપ મોકૂફ રાખવામાં આવે તો તે સમયનો ઉપયોગ બીસીસીઆઈ આઇપીએલનું આયોજન કરવામાં કરશે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આઇપીએલનું આયોજન થાય તો ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા જઈ શકે તેમ નથી. આમ ટી૨૦ સિરીઝની તારીખોમાં જ ફેરફાર કરવા પડે. બોર્ડના અધિકારીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ સિરીઝનું આયોજન ટેસ્ટ અને વન-ડે સિરીઝ બાદ પણ થઈ શકે છે. દરમિયાન ઓસ્ટ્રેલિયન બોર્ડના ચેરમેને પણ આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપના આયોજનને અવાસ્તવિક ગણાવ્યું હતું.