ર૧ દિવસના લોકડાઉનનો નિયમ ભંગ : આણંદમાં સરદાર ગંજ સહિતના બજારોમાં ભીડભાડ ઉમટી…
ખરીદી માટે આવેલ વ્યકિતઓ વચ્ચે અંતર રાખીને ઉભા રહેવાના નિયમનો છેદ ઉડયો…
આણંદ : કોરોનાની વધતી જતી ગંભીરતા છતાંયે આણંદમાં આજે શેઠની શિખામણ ઝાંપા સુધી…નો ઘાટ જોવા મળ્યો હતો. સવારથી જ જીવન જરુરિયાતની ખપ પૂરતી ચીજવસ્તુના બદલે મોટા જથ્થામાં ખરીદી માટે નાની, મોટી દુકાનોએ ગ્રાહકોની ભીડભાડ ઉમટી હતી.
શહેરના સરદાર ગંજ બજાર વિસતારમાં ટુ વ્હીલરો, ફોર વ્હીલરો, ઊંટગાડીઓ, ટેમ્પા સહિતના વાહનો સાથે ગ્રાહકોની ભીડભાડથી લોકમેળા જેવો માહોલ જોવા મળતો હતો. ખરીદી માટે આવેલા ગ્રાહકો અને મોટાભાગના દુકાનદારોએ મ્હોં પર માસ્ક જ ન લગાવ્યાનું પણ જોવા મળ્યું હતું. ભીડભાડના માહોલમાં બે ગ્રાહકો વચ્ચે નિયમોનુસારના અંતરના બદલે ભીડભાડમાં માલસામાનનું લીસ્ટ લખાવવાની, લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકડાઉન દરમ્યાન ટુ વ્હીલર પર એક જ ચાલક હોવાની વાત સામે ટુ વ્હીલર પર બેથી ત્રણ સવારીમાં લોકો ખરીદી અર્થે ઉમટી રહ્યાનું જોવા મળતું હતું. શહેરમાં પ્રવેશવાના સામરખા, ગણેશ, બોરસદ ચોકડી વિસ્તારોમાં પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા કડક પૂછપરછ બાદ જ ટુ વ્હીલર, ફોર વ્હીલરને એન્ટ્રી આપવામાં આવતી હતી. પરંતુ શહેરની સી.પી.ચોકડી, લ-મી ચોકડી, રેલવે સ્ટેશન અને જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટુ વ્હીલર પર બેથી ત્રણ સવારીમાં યુવાઓ ધુમ સ્ટાઇલથી અવરજવર કરતા નજરે પડયા હતા. આ ધમાચકડી જોઇને કેટલાક જાગૃતજનોએ પોલીસ અને કલેકટરમાં ઓનલાઇન રજૂઆત પણ કરી હતી.
જો કે એકાદ વાગ્યાના અરસામાં આ વિસ્તારમાં પોલીસ કાફલાએ કામ વગર માત્ર લટાર મારવા નીકળેલા યુવા બાઇકચાલકોને અટકાવીને નિયમપાલનનું ભાન કરાવ્યું હતું. શહેરના સ્ટેશન રોડ, ૧૦૦ ફુટ રોડ, આણંદ-વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં દૂધ, જીવન જરુરી ચીજવસ્તુઓ, પેટ્રોલ પંપએ ગ્રાહકોની ભીડભાડ જોવા મળી હતી.
- Shailesh Patel, Jignesh Patel – Anand