Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના અનસ્ટોપેબલ : ઇંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝ થઇ રદ…

ન્યુ દિલ્હી : કેપટાઉનની આલીશાન હોટેલમાં કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા બાદ પ્રવાસી ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝ પડતી મૂકવાની બંને દેશના ક્રિકેટ બોર્ડને ફરજ પડી હતી. બંને ટીમ આ હોટેલમાં રોકાઈ હતી. તેમના કેટલાક ખેલાડી પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા તો હોટેલના સ્ટાફની બે વ્યક્તિને કોરોના થયો હતો. આમ બાકી રહેલી મેચો રમવી શક્ય ન હતી અને બંને બોર્ડે પરસ્પર સહમતિથી સિરીઝ પડતી મૂકી હતી. આમ તો સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ અને સરકાર માટે આ બાબત શરમજનક છે કેમ કે કોરોનાને કારણે આટલી સાવચેતી રાખ્યા બાદ પણ આખરે તો તેઓ ક્રિકેટના આયોજનમાં નિષ્ફળ રહ્યા હતા. જેની સરખામણીએ અન્ય દેશ અત્યારે નિયમિતપણે ક્રિકેટ યોજી રહ્યા છે. બીસીસીઆઈએ તો આ દરમિયાન યુનાઇટેડ આરબ અમિરાતમાં આઇપીએલ જેવી મેગા ઇવેન્ટનું આયોજન પણ કર્યું હતું.
પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમના બે સદસ્ય કોરોનાગ્રસ્ત બની ગયા બાદ સાઉથ આફ્રિકા સાથેની તેમની રવિવારની પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ રદ કરવાની ફરજ પડી હતી અને હવે આ સિરીઝ જ પડતી મુકાઈ છે. આ મેચ અગાઉ શુક્રવારે રમાનારી હતી પરંતુ તે વખતે પણ કોરોનાને કારણે આ મેચ રવિવાર પર મુલતવી રખાઈ હતી. બંને ટીમ વચ્ચે અગાઉ ટી૨૦ સિરીઝ રમાઈ હતી પરંતુ ત્યાર બાદ બંને ટીમના કેટલાક સદસ્યો કોરોનાગ્રસ્ત બન્યા હતા. ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમના ખેલાડીઓના માનસિક અને શારિરીક હાલતને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.
સિરીઝ રદ થઈ તેવા સંજોગોમાં યજમાન સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ પર આર્થિક રીતે માઠી અસર પડી છે. આ સિરીઝમાંથી સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડને ટીવી પ્રસારણ અધિકારમાંથી ૪૨ લાખ ડોલરની આવક થનારી હતી. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે શનિવારે સાંજે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ માટે કોરાનાનો ટેસ્ટ હાથ ધરાયો હતો જેમાં સ્ટાફના બે સદસ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

Related posts

ઇંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી, ઋષભ પંત સહિત ૨ ખેલાડી સક્રમિત

Charotar Sandesh

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ફાસ્ટ બોલર અશોક ડિંડાએ નિવૃતિ જાહેર કરી…

Charotar Sandesh

ભારત સાથે રમવું પસંદ નથી, તેમની બેટિંગ ભારે પડે છે : મેગન શુટ

Charotar Sandesh