Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના મહામારીમાં ડૉક્ટરોએ દેવદૂત બની લાખો લોકોના જીવ બચાવ્યા : વડાપ્રધાન મોદી

ડોક્ટર્સ-ડે પર વડાપ્રધાને સંબોધન કર્યું…
મેડિકલ આંતરમાળખુ મજબૂત કરવામાં આવશે, દેશભરમાં એઇમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા ૫૦ હજાર કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમ લાવ્યા છીએ : મોદી

ન્યુ દિલ્હી : નેશનલ ડોક્ટર્સ ડેના અવસરે દેશની મેડિકલ કમ્યુનિટીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડોક્ટરોએ ગત દોઢ વર્ષમાં દિવસ-રાત મહેનત કરીને એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમણે કહ્યું કે ડોક્ટરોએ દેવદૂત બનીને કોરોના કાળમાં લોકોના જીવ બચાવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે આ મહામારી દરમિયાન ડોક્ટરોએ લાખો જીવ બચાવ્યાં છે. ડોક્ટરોને ભગવાનનું બીજુ રૂપ કહેવામાં આવે છે.
તેમણે કહ્યું કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓને પહેલાની તુલનામાં બહેતર બનાવવામાં આવી રહી છે. આજે દેશનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જીવન ગુમાવનારા ડોક્ટરોને નમન કર્યુ અને કહ્યું કે ડોક્ટર દરેક પડકારનો મુકાબલો કરી રહ્યાં છે.મેડિકલ વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટર માટે બજેટની ફાળવણી બમણાથી પણ વધુ એટલે કે બે લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવી છે. હવે અમે આવા ક્ષેત્રોમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે ૫૦ હજાર કરોડ રૂપિયાની એક ક્રેડિટ ગેરંટી સ્કીમ લઇને આવ્યાં છીએ, જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓની ઉણપ છે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે દેશમાં એમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. ૨૦૧૪ સુધી જ્યાં દેશમાં ફક્ત ૬ એમ્સ હતી, આ ૭ વર્ષોમાં ૧૫ નવી એમ્સનું કામ શરૂ થયું છે. મેડિકલ કોલેજીસની સંખ્યા પણ આશરે દોઢ ગણી વધી છે. તેનું જ પરિણામ છે કે આટલા ઓછા સમયમાં જ્યાં અંડરગ્રેજ્યુએટ સીટ્‌સમાં દોઢ ગણાથી વધુનો વધારો થયો છે, પીજી સીટ્‌સમાં ૮૦ ટકા વધારો થયો છે.
નેશનલ ડોક્ટર્સ ડે પર સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ કોરોના સામે પણ જીતશે અને વિકાસના નવા માપદંડને પણ સ્પર્શસે. કોરોના સામેની લડતમાં યોગે ઘણી મદદ કરી છે. તેમણે કહ્યું કે એક બાજુ અમે સારી વસ્તુ જોઇ છે કે મેડિકલ ફ્રેટર્નિટીના લોકો, યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઘણા આગળ આવ્યાં છે. યોગને પ્રચારિત-પ્રસારિત કરવા માટે જે કામ આઝાદી બાદ પાછલી શતાબ્દીમાં કરવુ જોઇતુ હતુ, તે હવે થઇ રહ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ તાજેતરમાં જ સરકાર તરફથી કરવામાં આવેલા કાર્યોને પણ લોકો સામે રજૂ કર્યા.
ડોક્ટર્સ કમ્યુનિટીએ કોવિડ ૧૯ મહામારી સામેની લડાઇમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આ સમયમાં પણ ડોક્ટર પોતાના જીવની ચિંતા કર્યા વિના દેશ સેવામાં લાગી ગયાં છે. પ્રધાનમંત્રી મોટાભાગે પોતાના સંબોધનમાં તેમના માટે ડોક્ટર્સ અને અગ્રિમ મોરચા પર કામ કરનાર અન્ય લોકોની પ્રશંસા કરી રહ્યાં છે.

Related posts

ડેટા પ્રોટેક્શન અને સાઈબર ક્રાઈમ દેશ માટે પડકાર : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

હવે મેટ્રોપોલિટન સેન્ટર્સ માટે લોન મર્યાદા ૩૫ લાખ રૂપિયા રહેશેઃ આરબીઆઇ

Charotar Sandesh

દેશને નબળો કરનારા લોકો પોતાને રાષ્ટ્રવાદી કહીને સંબોધિત કરે છે : રાહુલ ગાંધી

Charotar Sandesh