Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ : લોકડાઉનમાં થઇ શકે છે વધારો, શનિવારે ફેંસલો…

વડાપ્રધાને સર્વપક્ષીય બેઠકમાં લોકડાઉન વધારવાના સંકેત આપ્યા…

૧૧મીએ વડાપ્રધાન તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી વિશ્વાસમાં લેશે, કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનમાં વધારો અનિવાર્ય,પંજાબ-ઉત્તરપ્રદેશે પણ અત્યારથી જ લોકડાઉનમાં કરી નાંખ્યો વધારો…

ન્યુ દિલ્હી : કોરોના મહામારી સામેની લડાઇ લાંબી છે એમ વારંવાર કહીને ૧૪ એપ્રિલના રોજ પૂરા થઇ રહેલા ૨૧ દિવસના લોકડાઉનમાં વધારો થઇ શકે એવો આડકતરો ઇશારો કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષિય બેઠકને સંબોધતા એવો મત વ્યક્ત કર્યો કે વર્તમાન સ્થિતિમાં લોકડાઉનમાં વધારો કરવો જરૂરી છે. વડાપ્રધાન મોદી ૧૧ એપ્રિલે એટલે કે લોકડાઉન પૂરો થવાના ૩ દિવસ પહેલા ફરીથી દેશના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેની જાહેરાત કરી શકે એમ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. અને બીજી તરફ દેશમાં કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો જોતા તથા આ રોગની ભયાનકતાને જોતાં લોકડાઉનમાં હાલ કોઇ મોટી રાહત મળે તેમ નથી. એટલું ખરૂ કે જ્યાં કેસો ઓછા થયા કે દર્દીઓ સાજા થઇ ગયા ત્યાં લોકડાઉનમાં કંઇક રાહત મળી શકે. આ અંગે હવે ૧૧મીએ આખરી નિર્ણય લેવાશે. પરંતુ સર્વસામાન્ય મત એવો વ્યક્ત થઇ રહ્યો છે કે લોકડાઉનમાં વધારો અનિવાર્ય અને ચોક્કસ છે. આમ લોકોએ કોરોના સામે લાંબી લડાઇની તૈયારી રાખવી પડશે.

સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ અગાઉ દેશના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો બેઠક યોજીને લોકડાઉન વધારવા અંગેના સુચનો માંગ્યા હતા. ત્યારબાદ આજે રાજકિય પક્ષોના નેતાઓ સાથે વિડિયો બેઠક યોજીને સૂચનો માંગ્યા હતા. આ બેઠકમાં, અહેવાલ છે કે વડાપ્રધાન મોદીએ એમ સ્પષ્ટ ઇશારો કર્યો કે લોકડાઉનમાં વધારો કરવો જરૂરી છે. આ બેઠક બાદ જાહેર થયુ કે વડાપ્રધાન ૧૧મીએ ફરીથી મુખ્યમંત્રીઓ સાથે વિડિયો બેઠક યોજીશે અને તેમાં લોકડાઉનમાં વધારો કરવા અંગેની આખરી જાહેરાત લેવાય તેમ છે. દેશના મોટા ભાગના રાજ્યોએ અને નિષ્ણાતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે કેસોની સંખ્યા જોતા અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકડાઉનમાં જો એક સાથે છૂટછાટ અપાય તો ૨૧ દિવસના લોકડાઉનો કોઇ મતલબ રહેશે નહીં કેમ કે જેમનામાં આ રોગના લક્ષણો છે પણ હજુ બહાર આવ્યાં નથી તેઓ લોકડાઉન ખુલ્યા બાદ બહાર નિકળે તો બીજામાં ચેપ લાગી શકે. તેથી લોકડાઉન તબક્કાવાર અથવા હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં આંશિક છૂટછાટ આપવામાં આવે. પરંતુ લોકડાઉન ઉઠાવી લેવાશે અને ફરીથી સામાન્ય સ્થિતિ થઇ જશે એમ માનવા કે કહેવા કોઇ તૈયાર નથી.

સૂત્રોએ વધુમાં કહ્યું કે યુપીમાં ૧૫ જિલ્લા સીલ કરીને લોકડાઉનમાં ૩૦ એપ્રિલ સુધીનો વધારો કરાયો અને પંજાબમાં પણ લોકડાઉન ૩૦ એપ્રિલ સુધી લંબાવતા એવા સંકેતો મળી રહ્યાં છે કે બીજા રાજ્યો પણ ૧૧મી સુધીમાં લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય લઇ શકે.

દેશમાં કોરોના પોઝીટીપના કેસોની સંખ્યા ૫ હજારને પાર થઇ ગઇ છે. ઇટાલી કે અમેરિકાની સરખામણીએ ભારતમાં કેસોની શંખ્યા અને મરનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે તેમ છતાં સરકાર તેનાથી સંતોષ પામીને લોકડાઉન ઉઠાવી લેવાના મતમાં નથી. કેમ કે લોકડાઉનને કારણે જ કેસોની સંખ્યા મર્યાદિત થઇ છે. હાલમાં જેમ જેમ લોકો એકબીજાના સંપર્કમાં આવે તો ચેપ ફેલાઇ શકે અને કેસોમાં વધારો થઇ શકે. આમ લોકડાઉને કેસોને મર્યાદિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાના તારણે કેન્દ્ર કે રાજ્યોની સરકારો લોકડાઉન ઉઠાવી લેવાને બદલે તેને લંબાવવાના મતમાં હોઇ શકે. અલબત્ત સમગ્ર દેશે હવે લોકડાઉનના મામલે એવી માનસિક્તા રાખવી પડશે કે તેમાં વધારો થઇ શકે. અને તે તમામ નાગરિકોના હિતમાં જ છે.

Related posts

બે એફિડેવિટ, અલગ-અલગ જાણકારી, આવી રીતે ફસાઇ બહાદુરની ઉમેદવારી

Charotar Sandesh

અફઘાનિસ્તાનથી દિલ્હી પહોંચેલા ૧૨૯ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી

Charotar Sandesh

સન્ની દેઓલ BJPમાં સામેલ, પંજાબની આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Charotar Sandesh