Charotar Sandesh
ઉત્તર ગુજરાત

ગીરસોમનાથ અને અમરેલીમાં ધોધમાર વરસાદ : જસાધારમાં ૧ કલાકમાં ૫ ઇંચ…

ઉના પંથકમાં વીજળી પડતા ૬ પશુના મોત, બે મહિલાને ઇજા

સોરઠમાં ભારે વરસાદથી નદી-નાળા બેકાંઠે વહેતા થયા, ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ,ભારે વરસાદથી નગડીયા શાહી ગામમાં નદીમાં ઘોડાપૂર આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું

ગાંધીનગર : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન હોય તેમ છેલ્લા ૧૦ દિવસથી રોજ મોટાભાગના વિસ્તારોમાં વરસી રહ્યા છે. ત્યારે આજે સોમવારે બપોર બાદ ગીરસોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શાણાવાકીયા સહિતના ગીરકાંઠાના ગામોમાં સારો વરસાદ હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમજ કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉનામાં પણ પવન સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. રાણપુરના નાગનેસ ગામે ભાદર નદીમાં પૂર આવ્યું છે. ઉનાના પડાપાદર ગામની સીમમાં વીજળી પડતા રતીભાઇ દેવાતભાઇની વાડીમાં બાંધેલા પાંચ વર્ષના પાડાનું મોત થયું છે. તેમજ વ્યાજપુર ગામે વીજળી પડતા ગાય-ભેંસ થઇ પાંચ પશુઓના મોતા નીપજ્યા છે. ગીર જંગલમાં જસાધારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો હતો અને એક કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયાનું જાણવા મળ્યું છે.હાલ ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડામાં વીજળીએ કહેર મચાવ્યો હતો. ઇટવાયા ગામે વીજળી પડતા બે મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતા. ભારે વરસાદથી નગડીયા શાહીમાં નદીમાં ઘોડાપૂર આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
અમરેલીના વડીયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વડીયા, ધૂંઢીયા, પીપળીયા, મોરવાડા, હનુમાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. અમરેલી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ઊના અને દીવ જિલ્લાને પીયતનુ પાણી પૂરૂ પાડતો રાવલ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વીરપુરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે.
ધારી પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ધારી પંથકમાં આજે બપોર બાદ ગીરકાંઠાના ગામો દલખાણીયા, ગોવિંદપુર, ચાચય, પાણીયા સહિત ધારીમાં પણ આજે સારો વરસાદ પડી ગયો હતો. વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. આજે વાવણી બાદ વરસાદ પડતાં ખેડૂતો માટે જાણે કાચુ સોનું વર્ષી રહ્યું હતું. ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ધારી-બગસરા રોડ પર હામાપુર નજીક પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અમરેલીના ફતેપુર, ચાપાથળ, વિઠલપુર, ચકરગઢ, દેવળીયા, અમરેલી શહેરની મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા છે. સમગ્ર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા અને લીલીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદમાં પણ વરસાદ વરસ્યો હતો.
રાણપુરના નાગનેસ ગામે આવેલી ભાદર નદીમાં પુર આવ્યું છે. રાત્રીના રાણપુર અને ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નદીમાં પૂર આવતા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ થયો છે. દર વર્ષે નદીમાં પૂર આવતાની સાથે જ ગામનો રસ્તો બંધ થાય છે. નાગનેસ ગામની વર્ષો જૂની આ સમસ્યાનું કોઇ નિવારણ તંત્ર દ્વારા કરાયું નથી.રાણપુર તાલુકાના નાગનેસ ગામની આ મુશ્કેલીનો ઉકેલ લાવવો જરૂરી છે.

Related posts

કોંક્રેટી મિક્ષ કરી દારૂ સંતાડવાનો કીમિયોઃ પોલીસે એક આરોપીની ધરપકડ કરી…

Charotar Sandesh

કવાંટમાં પોણા ૪ ઇંચ અને છોટાઉદેપુરમાં ૨.૫ અઢી ઇંચ વરસાદથી હેરણ નદીમાં પુર…

Charotar Sandesh

લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને સ્ટાર-૨૦૨૦ સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા…

Charotar Sandesh