ગાંધીનગર : ગુજરાતમાં ૧૫થી ૨૦ જૂનની વચ્ચે ચોમાસુ બેસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેરળમાં ચોમાસાનું આગમન થાય તે પછી ૧૫ દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ૧૫ દિવસમાં ચોમાસાનું આગમન થશે. હવામાન ખાતાના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ જણાવ્યુ કે, કર્ણાટકના તટ પર ચક્રવાતીય લહેરોના સંદર્ભે દક્ષિણ અને પશ્ચિમમાં ચોમાસુ બેસવાના અણસાર આવી રહ્યા છે.
કેરળમાં સામાન્ય રીતે એક જૂનથી હળવા વરસાદ સાથે ચોમાસુ બેસશે અને આ સાતે જ સમગ્ર દેશમાં વર્ષાઋતુની શરૂઆત પણ થશે. કેરળમાં વરસાદ આવ્યાના ૧૫ દિવસમાં જ ગુજરાતમાં પણ ચોમાસુ શરૂ થશે.
શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં ગરમીનો પારો ૨ ડિગ્રી ગગડ્યો હતો. બપોરે બફારો અને ગરમીથી લોકો ત્રસ્ત થયા હતા. ૪૧.૬ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતા ૨ ડિગ્રી ગગડીને ૩૭.૬ ડિગ્રી નોંધાયુ હતું. છતાંય શહેરમાં બપોર દરમિયાન લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીનો પારો ફરી ૪૦ ડિગ્રીને પાર જવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે.