Charotar Sandesh
ગુજરાત

ગુજરાત પોલીસમાં સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ…

સુરતના પત્રકારે ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો…

ગુનાની મુખ્ય સૂત્રધાર પૂજા સિદ્ધાર્થ પાઠક હોવાનું જાણવા મળ્યું, પોલીસે ૫.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો…

ગાંધીનગર : ગુજરાત પોલીસમાં નોકરી આપવાની લાલચ આપી ૪૦ યુવાનોનું ૧ કરોડ ૪ લાખનું ફુલેકું ફેરવી નાખનાર ગેંગ પૈકીના ચાર આરોપીઓને પૂર્વ બાતમીના આધારે સેકટર ૧૯ પુનિત વન પાસેથી ઝડપી લઈ આઠ મોબાઇલ ફોન, નોકરીના ઓર્ડરો, ડુપ્લીકેટ આઈ કાર્ડ, કાર તેમજ રોકડ રકમ મળી કુલ. ૫.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. સુરતના પત્રકારે ગઈકાલે નોંધાવેલી ફરિયાદના પગલે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીનાં કલાકોમાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો હતો.
સુરતના કામરેજ મુકામે સુરભી રેસિડન્સીમાં રહેતા અને સુરતના ગ્રાહક ચેતના સાપ્તાહિકમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ૨૦ વર્ષીય પ્રતાપ કૈલાશભાઈ જાટ સાથે પોલીસમાં નોકરી આપવાની લાલચ આપી સિદ્ધાર્થ હિતેષભાઈ પાઠક, તેની પત્ની પૂજા પાઠક (જુનાગઢ), ગાંધીનગરનો કલ્પેશ પટેલ, રાહુલ લલ્લુવાડિયા (મણીનગર), મહેશ્વરી જગદીશભાઈ જાખરીયા (ચાંદખેડા) એ એકબીજાની મદદગારી કરી રૂ. ૩.૫૦ લાખનું ફુલેકું ફેરવી દેવામાં આવ્યું હોવા અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવવા પામી હતી.
આ ગંભીર ફરિયાદના પગલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા તેમજ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જય વાઘેલાને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી હતી. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમની સાથોસાથ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ ગુનાનો ભેદ ઉકેલવા ઝંપલાવી દેવામાં આવ્યું હતું. ત્યારે પીએસઆઇ વી.કે રાઠોડની ટીમના જમાદાર ઘનશ્યામ તેમજ જીગ્નેશકુમારને ઉપરોક્ત ગુના સંદર્ભનાં આરોપીઓ સેક્ટર ૧૯ ના પુનિત વન પાસે સ્વિફ્ટ કારમાં હોવાની ગુપ્ત રાહે બાતમી મળી હતી.
જેના પગલે ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો અને ગાડીને કોર્ડન કરી લીધી હતી. અને સિદ્ધાર્થ દેશ પાઠક તેની પત્ની પૂજા તેમજ રાહુલ લલ્લુ વાડીયા અને મહેશ્વરી જાખરીયાને દબોચી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે ગાડીની તલાશી લેતા ડેશબોર્ડ તેમજ ડેકીમાંથી અલગ-અલગ રેન્કનાં પોલીસના આઇડેન્ટી કાર્ડ નંગ ૨૫ તેમજ લોકરક્ષક ભરતી બોર્ડના ૨૫ ઓર્ડરો જુદા જુદા યુવાનોના નામના મળી આવ્યા હતા.
૪૦ જેટલા યુવાનોને પોતાની જાળમાં ફસાવ્યા
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ પાઠક તેમજ તેની પત્ની પૂજા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો ભ્રમ ઊભો કરી પોલીસની નોકરી મેળવવા માટે માગતા યુવાનો તેમજ સગા-સંબંધીને પોતાની જાળમાં ફસાવતા હતા. અને પૂજા પોતાના પંજાબ ખાતે નાભાવાડામાં રહેતા મિત્ર અરિજિતસિંગ મારફતે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના સહી સિક્કા વાળા નિમણૂક પત્રો તેમજ અલગ-અલગ રેન્કના આઇડેન્ટી કાર્ડ બનાવી આપતો હતો. અત્યાર સુધીમાં ઉપરોક્ત આરોપીઓએ ૪૦ જેટલા યુવાનોને પોતાની જાળમાં ફસાવી ૧ કરોડ ૪ લાખનું કૌભાંડ આચર્યું હોવાનું ખુલવા પામ્યું છે.

Related posts

સમગ્ર રાજ્યમાં ૨૧થી ૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા…

Charotar Sandesh

ચૂંટણી પહેલાં સરકારે રોડનાં સમારકામ માટે ધારાસભ્યોને તાત્કાલિક ૫૦ કરોડ ફાળવવાની તૈયારી શરૂ…

Charotar Sandesh

૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ…

Charotar Sandesh