હર્ષ શાહે ઓલ ઇન્ડિયામાં ૧૧મો રેન્ક મેળવ્યો…
અમદાવાદ : ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ લેવાયેલી જેઈઈ એડવાન્સની પરીક્ષા નું પરિણામ જાહેર થયું. જેમાં ગુજરાત ના વિદ્યાર્થીઓ એ બાજી મારી છે. ગુજરાત ટોપર રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. દિલ્હી આઈઆઈટી દ્વારા લેવાયેલી જેઈઈ એડવાન્સની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદનો હર્ષ શાહે ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઇન્ડિયામાં ૧૧મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયામાં ટોપ ૧૦૦માં અમદાવાદના શ્રેય બાવીશીએ ૫૫મો રેન્ક, નિયતી મહેતાએ ૬૨મો રેન્ક, પૂજન સોજીત્રાએ ૬૪મો રેન્ક અને ધ્રુવ મારુએ ૯૯મો રેન્ક મેળવ્યો છે.
ગુજરાતમાં ટોપર રહેલા હર્ષ શાહે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જેઈઈમાં ટોપ કરવા માટે અગાઉથી મહેનત શરૂ કરી હતી. હર્ષે બોમ્બે આઈઆઈટીમાં એડમીશન લઈ કમ્પ્યુટર સાયન્સ લાઈનમાં કારકિર્દી બનાવવી છે. જે વિદ્યાર્થીઓ જેઈઈ ટોપ થવા અને એન્જિનિયર બનવા માંગે છે તે માટે, હર્ષે જણાવ્યું કે, કોઈપણ ક્ષેત્રે ટોપ થવા માટે યોગ્ય તૈયારી કરવી જરૂરી છે. ૧૦થી ૧૨ કલાક વાંચન કરવું જોઈએ. એટલું જ નહીં વિધાર્થીઓ જે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાય તેને વળગી રહે તે જરૂરી છે. તેમજ કારકિર્દીના ઘડતરમાં પરિવારનો સપોર્ટ પણ એટલો જ જરૂરી છે. હર્ષના પિતા પોતે ગાયનેકોલોજિસ્ટ છે. તેઓ પણ હર્ષની આ સફળતાથી ગૌરવ અનુભવી રહ્યા છે.
નિયતી મહેતા જેઈઈ મેઇન્સમાં ગુજરાત ગર્લ્સ ટોપર રહી હતી. બોમ્બે આઈઆઈટીમાં એન્જીનીયરીંગ કરવાની નિયતીની ઇચ્છા છે. નિયતી કહે છે કે, મહેનત કરવાથી ધાર્યું પરિણામ મળે છે. ધોરણ ૧૨ પહેલાથી જ મેં એન્જીયરીગમાં પ્રવેશ માટે જેઈઈની તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે ધોરણ ૧૨ની પરીક્ષા બાદ કોરોનાનું વિઘ્ન આવ્યું હતું જેથી થોડી હતાશા જરુર થઈ હતી. તો ટોપર શ્રેય બાવીશી પણ પોતે કમ્પ્યુટર સાયન્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે. શ્રેય પોતાની સફળતાનો શ્રેય પિતાને આપે છે. શ્રેયના પિતા ઓર્થોપેડિક સર્જન છે. મહત્વનું છે કે, દેશની પ્રતિષ્ઠિત એન્જીનિયરીગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે. પરીક્ષા માટે કુલ ૧.૬ લાખ ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી ૯૬ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.