વિમા કંપનીની જવાબદારી સંપૂર્ણ રીતે કે પ્રત્યક્ષ રીતે કોઈ દુર્ઘટનાથી થયેલી ઈજાના મામલામાં વળતર આપવાની છે…
ન્યુ દિલ્હી : વધુ દારૂ પીવાના કારણે થયેલા મોતના મામલામાં સુપ્રિમ કોર્ટે વિમાના દાવાવાળી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યુ છે કે આ કોઈ અકસ્માત નથી તેથી વિમાનુ ચુકવણુ થઈ ન શકે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે વિમા કંપનીની જવાબદારી સંપૂર્ણ રીતે કે પ્રત્યક્ષ રીતે દુર્ઘટનામાં પહોંચેલી ઈજાના મામલામાં જ વળતર આપવાની જોગવાઈ છે.
જસ્ટીસ વિનીત શરન અને જસ્ટીસ શાંતનગૌદરવાળી ખંડપીઠે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના ફેંસલાને યથાવત રાખતા કહ્યુ હતુ કે વિમા નીતિ હેઠળ આ પ્રકારના કેસમાં વળતર આપવાની કોઈ બંધારણીય જોગવાઈ નથી. મોત કોઈ દુર્ઘટનાને કારણે નહિ પરંતુ દારૂની ખરાબ લતને કારણે થયુ છે.
કોર્ટે કહ્યુ હતુ કે ૨૪ એપ્રિલ ૨૦૦૯ના રોજ રાષ્ટ્રીય આયોગે જે ફેંસલો સંભળાવ્યો હતો તેને યથાવત રાખીએ છીએ. અત્રે નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ રાજ્ય વન નિગમમા તૈનાત એક ચોકીદારનું વધુ દારૂ પીવાને કારણે મોત થયુ હતુ તે પછી તેમના કાયદેસરના ઉતરાધિકારી નર્મદાદેવીએ અરજી દાખલ કરી વળતરની માગણી કરી હતી. આ ઘટના ૧૯૯૭ની છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જણાવાયુ હતુ કે મોત વધુ દારૂ પીવાને કારણે અને દમ ઘુટવાને કારણે થયુ છે. આ મામલામાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના ફેંસલા બાદ અરજદારે સુપ્રિમ કોર્ટમાં દાદ માગી હતી. જો કે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે આ પ્રકારના મોત દુર્ઘટનાની શ્રેણીમાં નથી આવતા તેથી વિમા કંપનીની જવાબદારી વળતર આપવાની નથી.