ગાંધીનગર : ફિલ્મ કલાકારો કે રંગભૂમિના કલાકારો તેમના નાયક સ્ક્રીપ્ટના કારણે ક્યારે ભારે વિવાદ ઉભા કરતા હોય છે. તાજેતરમાં ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકર સિદ્ધાર્થ રાંદેરિયા ઉર્ફે ગુજ્જુભાઈ તેના નાટકના એક સીનના વાઈરલ થયેલાં એક વીડિયોને કારણે વિવાદમાં ફસાયા છે. નાટકમાં પતિ-પત્નીના એક સીનમાં પત્ની તાંબાના લોટામાં પાણી ભરીને ગાયત્રી મંત્ર બોલે છે, ત્યારે પતિના રોલમાં સિદ્ધાર્થ રાંદેરિયા તેમાં દારૂની બોટલમાંથી દારૂ રેડતાં હોય છે.
એટલું જ નહીં, બાદમાં તે ગાયત્રી મંત્રનું અપમાન થાય તે રીતે તેનું ખોટું અર્થઘટન પણ કરે છે અને પત્નીએ તાંબાના લોટાનું દારૂનું મિશ્રણવાળું પાણી પીને ધમાલ મચાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે અને લોકોએ તાત્કાલિક માગણી કરી છે કે, આ મામલે સિદ્ધાર્થ રાંદેરિયા હિંદુ સમાજની માફી માગે.
ઓમ ભૂ ભુવઃ સ્વઃ – ગાયત્રી મંત્રનું અપમાન વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે. પણ તેમણે પોતાના નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. બજરંગ દળે જણાવ્યું છે કે, આ ખૂબ જ મોટી ભૂલ છે અને ૨૪ કલાકમાં આ માટે સિદ્ધાર્થ રાંદેરિયાએ માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવો પડશે. આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ કરાશે.