Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી હિંસા : મૃત્યુઆંક ૨૦, શૂટ એટ સાઇટના ઓર્ડર, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ…

ગોકલપુરીમાં ઉપદ્રવીઓ દુકાન સળગાવી ભાગ્યા, સીલમપુરમાં સ્થિતિ સુધરી…

ત્રણ દિવસની હિંસામાં ૨૫૦થી વધુને ઈજા, ઈજાગ્રસ્તોમાં ૫૬થી વધુ પોલીસ જવાન સામેલ,ગૃહમંત્રીએ દિલ્હી હિંસાના મામલે ૨૪ કલાકમાં ત્રણ બેઠક કરી…

ન્યુ દિલ્હી : દેશના પાટનગર દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના મામલે છેલ્લા ત્રણ દિવસથી હોબાળો થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના કારણે ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક ૨૦ સુધી પહોંચી ગયો છે. આજે દિલ્લીની જીટીબી હોસ્પિટલમાં વધુ ૭ લોકોના મોત થયા છે. જ્યારે ૧૮૯ લોકો હાલ સારવાર હેઠળ છે. જીટીબી હોસ્પિટલના અધિકારીઓ પાસેથી આ અંગેની જાણકારી મળી છે. હવે બુધવારે દિલ્હીના વિસ્તારોમાં અજંપાભરી શાંતિ છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

મંગળવારે ૧૩ લોકો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી ચાર મૃતદેહોને ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા વધીને ૧૮ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત આશરે ૨૫૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૫૬થી વધારે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં ખાસ કરીને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા માર્ચ કરવામાં આવી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના સાથે અન્ય સુરક્ષાબળ અને અધિકારીઓ માર્ચમાં જોડાયા હતા અને તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરવાના મામલામાં ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બાબરપુર અને ચાંદબાગમાં રવિવારથી સતત હિંસા થઈ રહી છે. જેના કારણે પ્રશાસને આ ચાર વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. ચારેય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડેપગે છે. તેમજ ઉત્તર-પૂર્વી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પ્રશાસને હિંસા આચરનારા અસામાજિક તત્વોને દેખતા જ ઠારકરવાનો આદેશ આપી દીધો છે. પ્રશાસને આ આદેશ એવા સમયમાં જાહેર કર્યો છે જ્યારે પહેલેથી જ ત્યાં કલમ ૧૪૪ લાગુ કરેલી હતી અને કરફ્યૂ લગાવ્યા બાદ પણ તોફાની તત્વો હિંસા બંધ કરવાનું નામ નહતા લઈ રહ્યા. તોફાની ટોળકીઓને હિંસા કરતા રોકવા માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ શક્ય તેવા તમામ પ્રયત્નો કર્યા હતા. બુધવારે સ્થિતિ આંશિક થાળે પડતી જણાઈ છે જાફરાબાદ મેટ્રો સ્ટેશન બહારથી વિરોધીઓને હટાવી લેવાયા હોવાનું દિલ્હીના વિશેષ કમિશનર સતિશ ગોલચાએ જણાવ્યું હતું.

આ અગાઉ ગૃહ મંત્રી મિત શાહે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. છેલ્લા ૨૪ કલાકમાં અમિત શાહની આ ત્રીજી બેઠક હતી. પ્રાપ્ય માહિતી અનુસાર શાહની બેઠક સાત વાગ્યે શરૂ થઈ હતી જે રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલી હતી.

Related posts

ન્યુ દિલ્હી : ૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે…

Charotar Sandesh

કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં વરસાદી આફત : ૧૯૪થી વધુના મોત

Charotar Sandesh

બીએસએફના વધુ ૮૫ જવાનો કોરોનાની લેપટમાં આવતા કુલ આંક ૧૫૪…

Charotar Sandesh