ગાંધીનગર : દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેન સનેચિગ કરતા પહેલા વિચારજો. કારણ કે પોલીસ ની બાજ નજર તમારી ઉપર રહેલી છે. આ પ્રકારના બનાવ બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરો આ તક નો લાભ લઇ ઘરફોડ ચોરી ના બનાવો ને અંજામ આપતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. મહત્વ ની વાત કરીએ તો આકસ્મિક સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
અને પોશ વિસ્તારમાં હાલ ના સમય માં પોલીસ એ નાઇટ પેટ્રોલીંગ પણ વધારવા આવ્યું છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં પોલીસે સોસાયટીના ચેરમેન સાથેનું એક વોટ્સેપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેમાં જે તે સોસાયટીના રહીશો જયારે પણ બહારગામ ફરવા માટે જાય છે અને પોતાનું મકાન બંધ હોય છે ત્યારે તેની વિગત વોટ્સેપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. પોલીસ આવાં મકાનો ઉપર ખાસ નજર રાખે છે જેથી કરીને ત્યાં ઘરફોડ ચોરીના બનાવો ન બને. આ ઉપરાંત પોલીસ જ્યારે પણ પેટ્રોલિંગમાં નીકળે ત્યારે સોસાયટી, ફલેટો માં જઈને એનાઉન્સમેન્ટ કરી લોકોને જરૂરી સૂચનાઓ આપી રહી છે ઘર ફોડ ચોરીના બનાવ અટકે તે માટે શું તકેદારી રાખવી જોઈએ.
શહેરના કેટલાક પોશ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારોમાં કેટલાક છૂટાછવાયા બંગલાઓ પણ આવેલા છે જ્યાં પોલીસ બાઈક પર પેટ્રોલિંગ કરી રહી છે. ઉપરાંત પોલીસ લોકોને એ પણ અપીલ કરી રહી છે કે જ્યારે પણ કોઈ સ્થાનિક ઘર બંધ કરીને બહારગામ જાય છે તો પોતાનો કિંમતી સામાન અને રોકડ રકમ સલામત રીતે મૂકીને જાય. એટલે કે દિવાળીના પર્વ દરમિયાન તસ્કરો બેફામ ન બને તે માટે પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.