Charotar Sandesh
ઈન્ડિયા

દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની મોદી સરકારની તૈયારી..!!

આ માસના આરંભે પીએમઓએ બેઠક બોલાવી હતી…

રાજ્યોની ભૂમિકા સીમિત કરવા પ્રયાસો, બેઠકમાં બંધારણની કલમ ૨૪૩કે અને ૨૪૩ઝેડએ માં ફેરફાર કરી દેશમાં બધી ચૂંટણી માટે એક મતદાર યાદી બનાવવાના વિકલ્પ ઉપર ચર્ચા…

ન્યુ દિલ્હી : દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના મુદ્દે ચર્ચા કરવા માટે પીએમઓમાં આ મહિનાના પ્રારંભે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન તમામ સ્થાનિક ચૂંટણીઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે એક કોમન વોટર લિસ્ટ તૈયાર કરવાને લઇને ચર્ચા થઇ હતી. ૧૩ ઓગસ્ટે મળેલી આ બેઠકનું અધ્યક્ષપદ પીએમના અગ્રસચિવ પી.કે.મિશ્રાએ સંભાળ્યું હતું.
બેઠક દરમિયાન બે વિકલ્પો ઉપર વાત થઇ હતી. જેમાં પ્રથમ એ કે કલમ ૨૪૩ કે અને ૨૪૩ ઝેડએમાં ફેરફાર કરી દેશમાં બધી ચૂંટણી માટે એક મતદાર યાદી હોવી જોઇએ. બીજુ એ કે રાજ્ય સરકારોને પોતપોતાના કાયદાઓમાં ફેરફાર કરીને નગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટે ચૂંટણી પંચની મતદાર યાદીને અપનાવવા માટે રાજી કરવામાં આવે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ સચિવ, રાજીવ ગૌબા, વિધાન સચિવ નારાયણ રાજુ, પંચાયતની રાજ સચિવ સુનિલ કુમાર અને ચૂંટણી પંચના ૩ પ્રતિનિધિ અને સેક્રેટરી જનરલ ઉમેશ સિંહા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
કલમ ૨૪૩ કે અને ૨૪૩ ઝેડ એ રાજ્યોમાં પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને લગતા છે જે રાજ્ય ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાથી લઇને ચૂંટણી યોજવા સુધીની સત્તા પ્રદાન કરે છે.
તો બીજી તરફ બંધારણની કલમ ૩૨૪ (૧) હેઠળ ચૂંટણી પંચને સંસદ અને રાજ્યવિધાન સભા સુધીની બધી ચૂંટણીઓમાં મતદાર યાદીમાં સુધારણા કરવા, તૈયાર કરવા દેખરેખ કરવા સહિતની સત્તાઓ પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણીઓ માટે પોતાની મતદાર યાદી તૈયાર કરવા માટે સ્વતંત્ર છે અને આ કવાયતને ચૂંટણી પંચ સાથે સંકલિત કરવાની જરૂર રહેતી નથી.
હાલ મોટાભાગના રાજ્યો પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી પંચની મતદાર યાદીનો ઉપયોગ કરે છે. તેઓ પોતાની મતદાર યાદીનો ઉપયોગ કરતા નથી. જોકે યુપી, મ.પ્રદેશ, કેરળ, આસામ, અરૂણાચલ, નાગાલેન્ડ અને જમ્મુ-કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો સ્થાનિક ચૂંટણી માટે પોતાની મતદાર યાદીનો ઉપયોગ કરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમઓમાં યોજાયેલી બેઠકમાં બે વિકલ્પો ઉપર ચર્ચા થઇ હતી. સુનિલકુમારે એ બાબતની તરફેણમાં હતા કે બાકીના રાજ્યોને પણ સ્થાનિક ચૂંટણી માટે ચૂંટણી પંચની મતદાર યાદી માટે સમજાવવામાં આવે.
આ બેઠકમાં છેલ્લે મિશ્રાએ કેબિનેટ સચિવને કહ્યું હતું કે, તેઓ રાજ્યોનો સંપર્ક સાધે અને એક મહિનામાં નવા પગલા વિષે વિચાર કરવો. ગયા વર્ષે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કોમન (સમાન) મતદાર યાદીનું પણ વચન આપ્યું હતું. પક્ષ લોકસભા – વિધાનસભા – સ્થાનિક ચૂંટણીઓ સાથે યોજવાની તરફેણ પણ કરે છે.
જો કે સીંગલ વોટ્‌ર્સ લીસ્ટ કોઇ નવી વાત નથી. ૨૦૧૫માં લો-પંચે તેના ૨૫૫માં રિપોર્ટમાં આની ભલામણ કરી હતી. ૧૯૯૯ અને ૨૦૦૮માં ચૂંટણી પંચે આ જ આધાર લીધો હતો. તેણે નોંધ્યું હતું કે, ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચની મતદાર યાદી વચ્ચે એકરૂપતા ન હોવાથી ડુપ્લીકેશનના બનાવો વધે છે. વળી મતદારનું એકમાં નામ હોય છે જ્યારે બીજામાં ગાયબ હોય છે. તેથી સરકાર સમાન મતદાર યાદી અને સમાન ચૂંટણી ઇચ્છે છે કે જેથી મહેનત અને ખર્ચ બચે.

Related posts

આપણી વેક્સિને સમગ્ર દુનિયાને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો : PM મોદી

Charotar Sandesh

મુકેશ અંબાણીનું કોંગ્રેસના ઉમેદવારને સમર્થન, દીકરો અનંત BJPની રેલીમાં દેખાયો

Charotar Sandesh

હાથરસ ગેંગરેપ : પીએમ મોદીના આદેશ બાદ યોગી સરકારે કેસની તપાસ માટે ઘડી એસઆઈટી…

Charotar Sandesh