ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાના કારણે સતત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧ લાખ ૪૪ હજાર ૮૨૯ કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલાં ગુરુવારે ૧.૩૧ લાખ કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા પણ ખૂબ વધી છે. શુક્રવારે દેશભરમાં ૭૭ હજાર ૧૯૯ લોકો સાજા થયા હતા, જ્યારે ૭૭૩ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. એવી રીતે એક્ટિવ કેસમાં ૬૬ હજાર ૭૬૦નો વધારો થયો છે. દેશમાં હવે ૧૦ લાખ ૪૦ હજાર ૯૯૩ દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો કોરોનાના પાછલા તબક્કાની પીક કરતાં ઘણા વધારે પહોંચ્યો છે. ગત વર્ષે ૧૭ સપ્ટેમ્બર સંક્રમણનો પીક દિવસ હતો. આ દિવસે દેશમાં સૌથી વધુ ૧૦.૧૭ લાખ એક્ટિવ કેસ હતા. ત્યાર બાદ આ આંકડા ઘટવા લાગ્યા હતા, પરંતુ હવે ફરીથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે.
રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક જ દિવસમાં એ ૯૧.૭૬%થી ઘટીને ૯૦.૮% થઈ ગયો. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં એમાં આશરે ૮%નો ઘટાડો નોંધાયો છે. છટ્ટીસગઢમાં સૌથી નીચો ૮૦.૫% અને મહારાષ્ટ્રમાં ૮૨% દર્દીઓ સ્વસ્થ થયા છે. અહીં એક્ટિવ રેટ ખૂબ વધુ છે. છત્તીસગઢમાં હાલમાં ૧૮.૪% છે અને મહારાષ્ટ્ર ૧૬.૩% એક્ટિવ રેટ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા સોમવારે ભાગવત હરિદ્વાર ગયા હતા, જ્યાં તેમણે કુંભમેળામાં ભાગ લીધો હતો. તેમણે ગંગામાં ડૂબકી પણ લગાવી હતી.
દેશમાં અત્યારસુધીમાં ૧ કરોડ ૩૨ લાખ ૨ હજારથી વધુ લોકોને આ સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૧ કરોડ ૧૯ લાખ ૮૭ હજાર લોકો સાજા થયા છે, જ્યારે ૧ લાખ ૬૮ હજાર ૪૬૭ દર્દી મૃત્યુ પામ્યા છે. ૧૦ લાખ ૪૦ હજાર ૯૯૩ દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્યારસુધીમાં ૯ કરોડ ૫૦ લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.