ચેન્નાઇ : આઈપીએલ-૨૦૨૦ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) કેમ્પમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. આઈપીએલ માટે દુબઇમાં રોકાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ૧૩ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી બે ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ કેપ્ટન કૂલ ધોનીએ આઈપીએલમાં ટીમને સંભાળવા માટે પોતાનો અલગ જ પ્લાન તૈયાર કરી લીધો છે. અને તેણે સીએસકેના માલિક એન.શ્રીનિવાસનને ભરોસો અપાવ્યો છે કે ચિંતાનું કોઈ કારણ નથી.
શ્રીનિવાસને ખુલાસો કર્યો છે કે ધોનીના શાંત રહેવાને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં વિશ્વાસ ઉભો થયો છે. ૧૯ સપ્ટેમ્બરે આઈપીએલ શરૂ થતાંની સાથે જ તમામ ચિંતાઓ પણ ખતમ થઈ જશે. શ્રીનિવાસને કહ્યું કે, મેં ધોની સાથે વાત કરી છે અને તે કોઈપણ વાતથી હેરાન નથી. આ ઉપરાંત ધોનીએ કહ્યું છે કે, જો સંખ્યા વધે છે તો પણ ચિંતાની કોઈ વાત નથી.
શ્રીનિવાસને કહ્યું કે, મને એક સોલિડ કેપ્ટન મળ્યો છે. ધોની ચિતિંત નથી, તેનાથી ટીમમાં તમામ લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ધોનીની ટીમ ચોથી વખત ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. ગત વર્ષે તે ફક્ત ૧ રનથી ચૂકી ગઈ હતી. તે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગઈ હતી.