Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

નડિયાદ ખાતે જિલ્‍લા/તાલુકાના શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન કરાયું…

શિક્ષણ આપનાર, ક્ષમતાવાન અને કર્મશીલ શિક્ષક બાળકોના મનમાં શિક્ષણ પ્રત્‍યેની જીજીવિષા જાગૃત કરે છે –  વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ

શિક્ષક દ્વારા જ શ્રેષ્‍ઠ સમાજનું નિર્માણ શકય છે – સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ

નડિયાદ : ખેડા જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સેંટ મેરીસ હાઇસ્‍કૂલ, નડિયાદ ખાતે વર્ષ ૨૦૨૦ માટે શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક સમારોહ વિધાનસભાના દંડક અને નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્‍થાને યોજાયો હતો. આ સમારોહમાં જિલ્‍લા કક્ષાના અને તાલુકા કક્ષાના ૦૯ શિક્ષકોને જયારે રાજય કક્ષાના યોજાયેલ કાર્યક્રમમાં જિલ્‍લાના એક શિક્ષકશ્રીને એવોર્ડ આપીને સન્‍માનીત કરાયા હતા.

આ પ્રસંગે વિધાનસભાના દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ તમામ પારિતોષિક વિજેતા શિક્ષકોને સરકારશ્રી તરફથી અભિનંદન આપતા જણાવ્યું હતું હતું કે, સમાજમાં શિક્ષકનું આદરપાત્ર સ્‍થાન છે. શિક્ષક તરીકેની ગરીમા જાળવી જો આ વ્‍યવસાયને ન્‍યાય આપશે તો આવનારા ભારતના ભવ્‍ય નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્‍ય લેખાશે. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, સ્‍વતંત્ર ભારતના બીજા રાષ્‍ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્‍ણના જન્‍મ દિવસ તા.૫મી સપ્‍ટેમ્બરના દિવસે સમગ્ર ભારત વર્ષમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. બીજા રાષ્‍ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્‍ણશ્રીએ જણાવ્‍યું હતું કે, હું પ્રથમ શિક્ષક છું પછી રાષ્‍ટ્રપતિ જે બતાવે છે કે તેઓના જીવનમાં શિક્ષકનું મૂલ્‍ય કેટલુ ઉંચુ હતું. આજે પણ તેઓના જીવનમાંથી આદર્શ અને મૂલ્‍યનિષ્‍ઠ જીવનની પ્રેરણા અવિરત મળી રહિ છે. સુસંસ્‍કૃત સમાજના નિર્માણ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે. સરકાર પણ શાળા પ્રવેશોત્‍સવ, ગુણોત્‍સવ અને કન્‍યા કેળવણી દ્વારા શિક્ષણને પ્રાધાન્‍ય આપી રહિ છે અને તેને લોકભોગ્‍ય બનાવવા સતત પ્રયત્‍નશીલ છે. શિક્ષણ આપનાર, ક્ષમતાવાન અને કર્મશીલ શિક્ષક બાળકોના મનમાં શિક્ષણ પ્રત્‍યેની જીજીવિષા જાગૃત કરે છે.

આ પ્રસંગે ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, શિક્ષણ માનવ જીવનમાં અમૂલ્‍ય છે પરંતુ આ અમૂલ્‍ય શિક્ષણ આપનાર શિક્ષકો તેનાથી પણ ઉપર છે. તેઓ દ્વારા જ કુમળા બાળકોને સારા સંસ્‍કાર, સુવિચાર અને શ્રેષ્‍ઠ માનવ બનવાના ઉત્તમ ગુણો મળે છે. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, શિક્ષકો દ્વારા જ શ્રેષ્‍ઠ સમાજનું નિર્માણ શકય બને છે. સમાજ જીવનમાં શિક્ષકોનું સ્‍થાન ખુબજ ઉંચુ છે અને આવા શિક્ષકોના હાથમાં સમાજના દરેક નાગરિકો તેમના કુમળા બાળકોના ઘડતર માટે બાળકો આપે છે ત્‍યારે તેઓ શિક્ષકો પાસે ખુબ જ મોટી આશા અને અપેક્ષાઓ રાખતા હોય છે.

આ કાર્યક્રમમાં જિલ્‍લા/તાલુકા ક્ક્ષાના ૦૯ શિક્ષકોને પ્રશસ્‍તિ પત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરાયા હતા. જયારે નેનપુર ગામની પ્રમુખસ્‍વામી વિનય મંદિરના મદદનીશ શિક્ષકશ્રી વિપુલભાઇ ડાહયાભાઇ પટેલનું માન. મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રાજય કક્ષાના શ્રેષ્‍ઠ પારિતોષિક સમારોહમાં સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગમાં જિલ્‍લા પારિતોષિક એવોર્ડ મહેમદાવાદ તાલુકાના એમ.એન.શાહ હાઇ. માંકવાના શ્રી કેયુરભાઇ કિરીટકુમાર શાહને આપવામાં આવ્‍યો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જિલ્‍લા પારિતોષિક એવોર્ડ કઠલાલના વિશ્ર્વપુરા પ્રા. શાળાના શ્રી શૈલેષભાઇ એમ. પ્રજાપતિ અને નડિયાદ તાલુકાના રધુનાથપુરા પ્રા.શાળાના શ્રી ગુલામરસુલ બી.વહોરાને આપવામાં આવ્‍યા હતા. સી.આર.સી/બી.આર.સી કેડરમાં જિલ્‍લા પારિતોષિક માટે મહેમદાવાદ તાલુકાના બી.આર.સી.કો.ઓ. શ્રી દિપકકુમાર રમેશચંદ્ર સુથારને આપવામાં આવ્‍યો હતો. તાલુકા પારિતોષિક એવોર્ડ માટે નડિયાદ તાલુકાની સલુણ ગામની વૈદ્યનો કુવો પ્રા.શાના શિક્ષક શ્રી સંજયકુમાર જશભાઇ વાઘેલા અને ભુમેલ પ્રા.શાળાના શ્રી નિલેશકુમાર ખોડાભાઇ બ્રહ્મભટ્ટને, મહેમદાવાદ તાલુકાના હાથનોલી પ્રા.શાળાના શ્રી સંજયકુમાર રમેશલાલ પટેલને અને વણસોલ સુંઢા પ્રા.શાળાના શ્રી સંજયકુમાર રાજેશભાઇ સચદેવને તથા ખેડા તાલુકાના વાવડી પ્રા.શાળાના હિરેનકુમાર એચ. શર્માને આપવામાં આવ્‍યા હતા.

સ્‍વાગત પ્રવચન જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી કમલેશભાઇ પટેલએ તથા આભાર દર્શન નાયબ જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રણજીતસિંહ ડાભીએ કરેલ હતું.

આ કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્‍લા શિક્ષણ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, જિલ્‍લાના શિક્ષકો મિત્રો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

કોરોનાનો કહેર વધ્યો : રાજ્યમાં આજે ૭૦૦૦થી વધુ કેસો : આણંદ જિલ્લામાં નવા ૭૬ કેસો…

Charotar Sandesh

ફરી લોકડાઉનની અફવાને પગલે આણંદમાં મસાલા-બીડી, ગુટખાના બેફામ કાળાબજાર…

Charotar Sandesh

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh