Charotar Sandesh
ઈન્ડિયા

ન ભૂતો ન ભવિષ્યતિ : ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ…

‘મોદી હૈ તો મુમકિન હૈ’ : એક તરફ કોરોનાનો માર-બીજી તરફ મોંઘવારીનો માર…

૭ જૂનથી અત્યાર સુધી ડિઝલ ૧૦.૮૮ રૂપિયા મોંઘું…

સતત ૧૮મા દિવસે પેટ્રોલને બાકાત રાખી ડિઝલના ભાવમાં ૪૮ પૈસા વધ્યાઃ દિલ્હીમાં પેટ્રોલ ૭૯.૭૬ રૂપિયે તો ડિઝલ ૭૯.૮૮ની ટૉચે પહોંચ્યુ…

ડિઝલ મોંઘુ થતાં પરિવહન મુસાફરી અને ટ્રાન્સપોર્ટેશન ભાડા પણ વધવાની શક્યતા,લોકડાઉનની ખોટ ઓઈલ કંપનીઓ હવે વ્યાજ સાથે વસૂલ કરી રહી હોવાની સામાન્ય છાપ…

ન્યુ દિલ્હી : યુપીએ સરકાર વખતે મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઇને ભાજપ દ્વારા દિલ્હીની સડકો પર ભારે વિરોધ કરાતો હતો. પરંતુ અનલોક-૧માં મોદી સરકારે આજે સતત ૧૮મા દિવસે પેટ્રોલ અને ડિઝલમાંથી પેટ્રોલને બાકાત રાખીને માત્ર ડિઝલ પર ૪૮ પૈસાનો વધારો કરતાં તે સાથે જ બળતણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો હતો. જેમાં દેશમાં પહેલીવાર પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘુ થયું હતું. દિલ્હીમાં આજે ડિઝલનો ભાવ રૂ. ૭૯.૮૮ પ્રતિ લિટર હતો. જ્યારે પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૭૬ પૈસા જોવા મળ્યો હતો, સામાન્ય રીતે અત્યાર સુધી બળતણના ભાવ ક્ષેત્રે એવુ જોવા મળતું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવની વચ્ચે ૫ કે ૧૦ રૂપિયાનું અંતર રહેતું હતું. પરંતુ હવે એ અંતર ધીમે ધીમે ઓછુ થઇને ડિઝલના ભાવ પેટ્રોલની સમકક્ષ અને હવે તેનાં કરતાં પણ આગળ નિકળી જતાં નાણાં બચાવવા પેટ્રોલના બદલે ડિઝલથી ચાલતી કાર લેનારા વાહનમાલિકો માટે પસ્તાવોનો વારો આવી શકે તેમ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૯.૭૬ રૂપિયા અને ડિઝલની કિંમત ૭૯.૪૦ રૂપિયાથી વધીને ૭૯.૮૮ રૂપિય પ્રતિ લિટર થઈ ગઈ છે.
એકતરફ સમગ્ર દેશ કોરોના મહામારીની ગંભીર અસર હેઠળ છે અને તેની સામે લડી રહ્યું છે, લાંબા લોકડાઉનને કારણે હજુ અર્થતંત્રની ગાડી પાટા ઉપર આવી નથી, બીજી તરફ મોંઘવારીના મારે લોકોના હાલ બેહાલ કર્યા છે. ત્યારે મોદી સરકારમાં સરકારી ઓઇલ કંપનીઓએ પોતાની તિજારી ભરવા માટે બળતણના ભાવમાં એકધારો વધારો શરૂ કર્યો છે. જેમાં આજે બુધવારે બે મુખ્ય બળતણમાંથી માત્ર ડીઝલના ભાવમાં સતત ૧૮માં દિવસે વધારો કરાયો છે. ૧૭ દિવસના વધારા બાદ આજે પેટ્રોલના ભાવમાં વધારો નથી થયો. પરંતુ બુધવારે ડીઝલના ભાવ ૪૮ પૈસા વધ્યા છે. આ સાથે દિલ્હીમાં એક લિટર ડીઝલના ભાવ ૭૯.૮૮ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. આ વધારા સાથે હવે દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલ, પેટ્રોલથી પણ વધું મોંઘું થયું છે.
સૂત્રોએ કહ્યું કે, છેલ્લા ૧૭ દિવસથી પેટ્રોલમાં થઇ રહેલો ભાવવધારો આજે અટક્યો હતો અને આજે ફક્ત ડીઝલના ભાવમાં ૪૮ પૈસાનો વધારો નોંધાયો છે. તેના પગલે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૭૯.૭૬ રહ્યા છે અને ડીઝલનો ભાવમાં વધીને ૭૯.૮૮ પ્રતિ લીટર થયો છે. આજના ભાવવધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ પૈસાનો તફાવત રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલ ભાવવધારાને પગલે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સતત ભાવ વધારો ઝીંકીને ઓઈલ કંપનીઓ તીજોરી છલકાવી રહી છે. છેલ્લા ૧૮ દિવસથી ભાવવધારાથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. પેટ્રો પેદાશો પરની એક્સાઈઝ ડ્યૂટી વધારીને સરકાર પણ લોકો પર ભાવવધારાનો કોરડો વીંઝી રહી છે. કોરોના લોકડાઉનને કારણ ૮૨ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો તેની વસૂલાત ઓઈલ કંપનીઓ હવે વ્યાજ સાથે કરી રહી હોય એવું લાગે છે. ઓઈલ કંપનીઓએ જૂન ૨૦૧૭થી બંન્ને પેટ્રો પેદાશોના ભાવમાં દરરોજ વધઘટ કરવાની શરૂઆત કર્યા પછી તેમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, અન્ય દેશોમાં સામાન્ય રીતે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધુ હોય છે. જેનું મુખ્ય કારણ એ હોય છે કે તેનો ઉત્પાદન ખર્ચ પેટ્રોલની સરખામણીએ વધારે હોય છે. પરંતુ ભારતમાં સરકારે અત્યાર સુધી સબ્સિડી અને ટેક્સના માધ્યમથી આને સસ્તું રાખવાનો પ્રયાસ કર્યો છે. કારણે કે ખેતી, ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવા જરૂરી કામોમાં ડિઝલનો ઉપયોગ વધુ થાય છે.
ઉલ્લેખનીય છે કે મે, ૨૦૧૭ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દર પંદર દિવસે વધારો કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ ઓઇલ કંપનીઓ દ્વારા દૈનિક ધોરણે ભાવવધારો કરવામાં આવે છે. લોકડાઉન દરમિયાન ૮૨ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સાત જૂનથી દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે છે પણ દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. આ અગાઉ દિલ્હીમાં ડીઝલનો સૌથી વધુ ભાવ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૭૫.૬૯ રૂપિયા હતો. જ્યારે પેટ્રોલનો સૌથી વધુ ભાવ ચાર ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૮૪ રૃપિયા હતો.

Related posts

દિલ્હી સરકારને હાઈકોર્ટે કહ્યું- આ સ્થિતિ રહી તો ઘરોમાં જ મરવા લાગશે લોકો…

Charotar Sandesh

સુપ્રિમ કોર્ટે લવ જેહાદ કાયદાને પડકારતી અરજીઓને બે સપ્તાહ સુધી સ્થગિત કરી…

Charotar Sandesh

RBIના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપ્યુ

Charotar Sandesh