ન્યુ દિલ્હી : પત્નીની ભરણ-પોષણ મેળવવાની અરજી પર કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે કહ્યું કે જો પત્ની કમાઈ રહી છે તો તે પતિ પાસેથી ભરણ-પોષણ ભથ્થું માગવા માટે હક્કદાર નથી. રોહિણી સ્થિત વધારાના સત્ર ન્યાયાધીશ એ.પાંડેની અદાલતે પોતાના ચુકાદાની વિસ્તૃત વ્યાખ્યા કરતાં કહ્યું કે જો પત્ની-મહિલા ઉચ્ચ શિક્ષિત છે અને શારીરિક રીતે સ્વસ્થ છે તો તેણે કમાઈને ખાવું જોઈએ. જાણી જોઈને પોતાની યોગ્યતા છુપાવવી કાનૂની અને નૈતિક બન્ને રીતે ખોટી છે તેવી ટીપ્પણી કરી અદાલતે મહિલાની અરજી નામંજૂર કરી હતી. અદાલતે આ મહિલાને સલાહ આપી કે તે માત્ર કેસમાં મુશ્કેલી નાખવા માટે નોકરી ન છોડી દે.
અદાલતે કહ્યું કે તેના પૂર્વ રેકોર્ડ બતાવે છે કે પાછલા એક દશકાથી વધુ સમયથી તે નોકરી કરી રહી હતી પરંતુ પતિ સાથે વિવાદ થવા પર તેણે નોકરી છોડી દીધી અને હવે તે પતિ પાસેથી ૫૦ હજાર રૂપિયા મહિનાના ભરણ-પોષણની માગ કરી રહી છે.આ મામલે પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને ત્રણ વર્ષથી અલગ રહે છે. તેના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન સમયે પણ પત્ની નોકરી કરતી હતી. બન્નેને કોઈ સંતાન નથી. અદાલતે મહિલાની અરજીને ફગાવતાં કહ્યું કે હવે તેણે બીજા કેસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે.