Charotar Sandesh
સ્પોર્ટ્સ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ૧૦ વિકેટે પરાજય…

ભારત બીજી ઇનિંગમાં ૧૯૧ રનમાં ઓલઆઉટ,બેટ્‌સમેનોનો ફ્લૉપ શૉ…

નવ રન કરતાં જ ન્યૂઝીલેન્ડે વિજય પ્રાપ્ત કર્યો, મેન ઓફ ધ મેચ બનનાર સાઉથીની મેચમાં કુલ નવ વિકેટ, બીજી ટેસ્ટ ૨૯ ફેબ્રુ.એ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાશે,ન્યૂઝીલેન્ડની ટેસ્ટમાં ૧૦૦મી જીત…

ભારત ૯ ટેસ્ટથી અપરાજિત હતું, ૮ જીત અને ૧ ડ્રો, છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર ૨૦૧૮માં પર્થ ખાતે હાર્યું હતું…

વેલિંગ્ટન : ભારતીય બેટ્‌સમેનોની નિષ્ફળતા બીજી ઈનિંગ્સમાં પણ ચાલુ રહી અને આ કારણે ન્યૂઝીલેન્ડે બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ૧૦ વિકેટથી જીત મેળવી લીધી. આ સાથે જ બે ટેસ્ટની સીરિઝમાં ૧-૦થી લીડ ન્યૂઝીલેન્ડને મળી ગઈ છે. દુનિયામાં દરેક જગ્યાએ સારું પરફોર્મ કરનારી રવિ શાસ્ત્રીની આ ટીમ બંને ઈનિંગ્સમાં મળીને કુલ ૩૫૬ રન બનાવી શકી. પહેલી ઈનિંગ્સમાં ભારતે માત્ર ૧૬૫ રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગ્સમાં જ ૩૪૮ રન બનાવીને ભારત પર ૧૮૩ રનની લીડ મેળવી લીધી હતી. મેચમાં ૧૧૭ રન આપી ૯ વિકેટ ઝડપનાર સાઉથી મેન ઓફ ધ મેચ બન્યો. ટીમ ઈન્ડિયાનું વર્ષ ૨૦૧૩ પછી સૌથી કરારી હારનો સામનો કરવો પડ્યો છે. બે ટેસ્ટ મેચોની સિરિઝમાં ન્યૂઝીલેન્ડ ૧-૦થી આગળ. બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૨૯ ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાશે.
ભારતીય બેટ્‌સમેનો બીજી ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા અને માત્ર ૧૯૧ રન જ બનાવી શક્યા જેથી કીવી ટીમને જીત માટે માત્ર ૯ રન બનાવવાના હતા. તેણે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના જ આ રન બનાવીને જીત મેળવી લીધી. ટોલ લાથમ ૭ અને ટોમ બ્લંડલ ૨ રન બનાવીને અણનમ રહ્યા. આ ન્યૂઝીલેન્ડની ૧૦૦મી ટેસ્ટ જીત પણ છે.
ભારતે દિવસની શરૂઆત ચાર વિકેટના નુકસાન પર ૧૪૪ રન સાથે કરી હતી. ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને હનુમા વિહારી પર હતી. આ બંને ત્રીજા દિવસે ક્રમશઃ ૨૫ અને ૧૫ રન બનાવીને પાછા આવ્યા હતા. પરંતુ ટીમના ખાતામાં ૩ રન જોડાયા બાદ વિહારી આઉટ થઈ ગયો. વિહારને સાઉથીએ બોલ્ડ કર્યો. રવિચંદ્રન અશ્વિન પણ સાઉથીનો શિકાર બન્યો.
આ બાદ ઈશાંત શર્માએ થોડા રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોલિન ડી ગ્રાન્ડહોમનો શિકાર બન્યો. તેણે બે ચોગ્ગાની મદદથી ૧૨ રન બનાવ્યા. આ બાદ રહાણે પણ આઉટ થઈ ગયો. રહાણેએ ૭૫ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. રિષભ પંતની ૨૫ રનની ઈનિંગ્સે કુલ સ્કોર ૧૯૧ સુધી પહોંચાડ્યો. આ બાદ પંત અને બુમરાહને પણ આઉટ કર્યા.
ન્યૂઝીલેન્ડ માટે ટીમ સાઉથીએ બીજી ઈનિંગ્સમાં ૫ વિકેટ લીધી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે ૪ વિકેટ લીધી. સાઉથીએ પહેલી ઈનિંગ્સમાં પણ ૪ વિકેટ લીધી હતી. આમ તેણે મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી. આ પહેલા ભારત માટે ઈશાંત શર્માએ સારી બોલિંગ કરતા ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગ્સમાં ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિનને ૩ વિકેટ મળી હતી.
મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, અમે આ મેચમાં બિલકુલ લડત આપી શક્યા નહોતા. જો અમે કીવી ટીમ સામે ૨૨૦-૨૩૦ રનનો ટાર્ગેટ મૂક્યો હોત તો સારું થયું હોત. કોહલીએ કહ્યું- ભારતીય ટીમ આગામી મેચમાં સારું પ્રદર્શન કરશે.

Related posts

શિખર ધવનનો ભારતીય-એ ટીમમાં સમાવેશ…

Charotar Sandesh

પોલાર્ડ બન્યો વિન્ડીઝ ટીમનો વનડે-ટી૨૦ કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટી…

Charotar Sandesh

ઓલિમ્પિક્સ બાદ હવે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પણ સ્થગિત…

Charotar Sandesh