Charotar Sandesh
સ્પોર્ટ્સ

બીજી વન-ડેમાં ભારતને ૨૨ રને હરાવી ન્યૂઝીલેન્ડે શ્રેણી જીતી…

કિવિઝના ૨૭૪ રનના લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલી ભારતીય ટીમ ૨૫૧માં ઓલ આઉટ
– ગુપ્ટિલે ૭૯, ટેલરનું ઝંઝાવતી ફોર્મ યથાવત્‌,અણનમ ૭૩ રન ફટકાર્યા,ચહલે ત્રણ વિકેટ ઝડપી
-શ્રેયસ ઐય્યર-જાડેજાની અર્ધી સદી એળે ગઇ,ન્યૂઝીલેન્ડ સિરિઝમાં ૨-૦થી આગળ,અંતિમ વન-ડે ૧૧ ફેબ્રુઆરીએ
ફરી એકવાર ભારતની ઓપનિંગ જોડી ફેલ,કોહલી-રાહુલ ફ્લૉપ
ડેબ્યુમાં ૪૨ રન આપીને ૨ વિકેટ ઝડપનાર અને બેટ વડે ૨૫ રનનું યોગદાન આપનાર કાઈલી જેમિસન મેન ઓફ ધ મેચ બન્યો

ઓકલેન્ડ : ઑકલેન્ડ ખાતે રમાયેલી શ્રેણીની બીજી વન-ડેમાં યજમાન ન્યૂઝીલેન્ડે ભારતને ૨૨ રનથી હરાવી સીરિઝ કબજે કરી લીધી છે. ત્રણ મેચની આ સીરિઝમાં હવે ન્યૂઝીલેન્ડ ૨-૦ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડે આપેલા ૨૭૪ રનના ટાર્ગેટની સામે ભારતીય ટીમ ૪૮.૩ ઓવરમાં ૨૫૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજાએ લડાયક અર્ધી સદી ફટકારી પણ તે ભારતને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો. હવે સિરિઝની અંતિમ વન-ડે ૧૧ ફેબ્રુઆરીએ માઉન્ટ માઉન્ગુમાં રમાશે. ડેબ્યુમાં ૪૨ રન આપીને ૨ વિકેટ ઝડપનાર અને બેટ વડે ૨૫ રનનું યોગદાન આપનાર કાઈલી જેમિસન મેન ઓફ ધ મેચ બન્યો. ન્યૂઝીલેન્ડ ૬ વર્ષ પછી ભારત સામે સીરિઝ જીત્યું છે. છેલ્લે તેમણે ભારતને ૨૦૧૪માં ઘરઆંગણે ૨-૦થી હરાવ્યું હતું.

ઓકલેન્ડમાં રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડ અને ભારત પર ફરી એકવાર રોમાચંક મુકાબલો જોવા મળ્યો હતો. પહેલી વન-ડેમાં હાર મળ્યા બાદ ભારતીય ટીમે આજે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ધમાકેદાર રહી હતી. ઓપનિંગ જોડીએ વિના વિકેટે ૯૩ રનની પાર્ટનરશિપ કરી લીધી હતી. ગપ્ટીલે આજે ૭૯ રન ફટકારી દીધા હતી અને નિકોલસે પણ ૪૧ રન બનાવ્યા હતા.

ત્યાર બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને કાબૂમાં થોડી કરી હતી, પરંતુ ફરી એકવાર રોસ ટેલર નામનું વાવાઝોડું ભારતીય ટીમ પર ત્રાટક્યું હતું. રોસ ટેલરે ૭૩ રન ફટકારીને પોતાની ટીમને ૨૭૩ રને પહોંચાડી દીધી હતી અને ભારતને જીતવા માટે ૨૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી યઝુવેન્દ્ર ચહલ, જાડેજા અને સૈનીએ સારી બોલિંગ કરી હતી. ચહલે આજે ૩ વિકેટ્‌સ લીધી હતી.

૨૭૪નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત તો સારી લાગતી હતી. પૃથ્વી શૉએ આવતાની સાથે મોટા શોટ રમવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ મયંક આજે ફરી સસ્તામાં આઉટ થઇ ગયો હતો. પૃથ્વી પણ ૧૯ બોલમાં ૨૪ રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલીને ફરીએકવાર સાઉધીએ આઉટ કર્યો હતો અને ૧૫ રને જ પેવેલિયન મોકલી દીધો હતો. ત્યાર બાદ શ્રેયસ ઐયરે બાજી સંભાળવાની કોશિશ કરી હતી, પરંતુ તેને કોઇનો સાથ નહોતો મળ્યો અને એક પછી એક ભારતની વિકેટ પડી રહી હતી. શ્રેયસ ઐયરે ૫૨ રન બનાવ્યા હતા. ૧૫૩ રને ભારતની ૭ વિકેટ્‌સ પડી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીની જોડીએ ભારતને જીત સુધી પહોંચાડવામાં કોઇ કસર બાકી નહોતી છોડી.

એક સમયે ૩૪ બોલમાં ભારતને ૪૫ રનની જરૂર હતી, પરંતુ નવદીપ સૈની ૪૫ રન બનાવીને જેમીસનનો શિકાર બની ગયો હતો. ત્યાર બાદ યઝુવેન્દ્ર ચહલ બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે પણ પોતાના ૧૦ રનના યોગદાનથી ભારતને લક્ષ્યાંકની નજીક લાવવામાં મદદ કરી હતી, પરંતુ તે રનઆઉટ થઇ ગયો હતો. ૧૨ બોલમાં ભારતને ૨૩ રનની જરૂર હતી, પરંતુ રવિન્દ્ર જાડેજા ભારતને જીત અપાવી શક્યો નહોતો. તેણે ૭૩ બોલમાં ૫૫ રન ફટકાર્યા હતા.
પરંતુ ભારત ૨૫૧ રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૨ રનથી હરાવી દીધું હતું. ન્યૂઝીલેન્ડના બોલરોની વાત કરીએ તો બેનેટસ, સાઉધી, જેમીસન અને ગ્રાન્ડહોમી આ ચારેય બોલરોએ ૨-૨ વિકેટ્‌સ લીધી હતી. આ મેચમાં જીત સાથે જ ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝ પર ૨-૦થી કબજો કરી લીધો છે.

Related posts

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખાસ ’જર્સી’ પહેરી ઉતરશે…

Charotar Sandesh

રોજર્સ કપમાં નડાલનો ઈવાન્સ સામે વિજય : નિશિકોરી-સિત્સિપાસ બહાર…

Charotar Sandesh

બોક્સિંગ ડે ટેસ્ટ : ઓસી.ને ઝટકો, વોર્નર, એબોટ બીજી ટેસ્ટમાંથી બહાર…

Charotar Sandesh