Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતના અભિષેક વર્માએ તીરંદાજી વર્લ્ડકપમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો…

પેરિસ : ભારતના અભિષેક વર્માએ પેરિસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે બે અલગ-અલગ વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય તીરંદાજ બની ગયો છે. પેરિસમાં ચાલી રહેલી તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં અભિષેકે અમેરિકાના ક્રિસ સ્ચેર્ફને શૂટ-ઓફમાં ૧૦-૯થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પુરુષોની કમ્પાઉન્ડ ગોલ્ડ મેડલની મેચમાં ભારતના અભિષેક વર્મા અને અમેરિકાના ક્રિસ સ્ચેર્ફનો સ્કોર ૧૪૮-૧૪૮થી બરોબરી પર રહેતા ટાઈ પડી હતી. જે પછી ગોલ્ડ મેડલ વિજેતાનો નિર્ણય શૂટ-ઓફથી લેવામાં આવ્યો હતો. જેમાં અભિષેક વર્માએ ૧૦નો સ્કોર કર્યો હતો. જ્યારે તેનો અમેરિકન હરિફ માત્ર ૯ સ્કોર મેળવી શક્યો હતો. અભિષેકે સેમિ ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં રશિયાના એન્ટોન બુલાઈવને ૧૪૬-૧૩૮થી હરાવ્યો હતો. અભિષેકે આ અગાઉ વર્ષ ૨૦૧૫માં પોલેન્ડમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પેરિસમાં ચાલી રહેલા વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીતવાની તક છે. દીપિકા કુમારી અને અતાનુ દાસની જોડીએ મિક્સ ડબલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ ઉપરાંત ભારતની મહિલા ટીમે પણ ગોલ્ડ મેડલ મેચમાં ક્વોલિફાય કર્યું છે. ભારતની દીપિકા કુમારીએ ઈન્ડિવિડયુઅલ ઈવેન્ટની ફાઈનલમાં પણ પ્રવેશ મેળવ્યો છે. દીપિકા કુમારી ત્રણેય ફાઈનલમાં ભાગ લેવાની છે. જે ત્રણેયફાઈનલ આવતીકાલે રમવાની છે.

Related posts

રણવીર સિંહની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતની યાદો તાજી થઇ

Charotar Sandesh

પીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ, તસવીર વાયરલ

Charotar Sandesh

આઈપીએલ-૨૦૨૧ : મુંબઇ ઈન્ડિયન્સે ટીમની નવી જર્સી લોન્ચ કરી…

Charotar Sandesh