બનાસકાંઠા : તાજેતરમાં ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે ગુજરાતી કલાકાર કિંજલ દવે ઉપસ્થિત રહી હતી. ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સાથે જ કોરોનાનો ડર પણ ભૂલ્યા હતા. કોરોનાકાળમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી.
ત્યારે ડીસાના ડેડાલ ગામે ગાયક કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ભીડ ભેગી કરી ઘોડે ચઢવાનો મામલામાં બંને વિરુદ્ધ ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ નોંધાઈ છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ગાયક કલાકાર કિંજલ દવે તથા કાર્યક્રમના આયોજક સહિત જવાબદાર તમામ સામે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરાઈ છે. મહેસાણાના સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, ૧૯૯૩ ની લાગુ પડતી જોગવાઈ મુજબ તમામ સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા ફરિયાદમા કહેવાયું છે.
પ્રાણપ્રતિષ્ઠામાં આવેલ લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી ગયા હતા. ગ્રામજનોએ ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે માટે ઘોડીઓ મંગાવીને બંનેને ઘોડી ઉપર બેસાડીને સ્વાગત કર્યું હતું. કિંજલ દવેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. તે સમયે કિંજલ દવે એ શશીકાંત પંડ્યા સાથે ઘોડા ઉપર બેસીને સેલ્ફી લીધી હતી અને લોકોનો પ્રેમ જોઈને ભાવ વિભોર બની હતી. જોકે કિંજલ દવેને જોવા એકઠી થયેલી ભીડ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી હતી. જોકે, ખુદ ભાજપના નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા છે તેવા સવાલો પેદા થયા હતા. તો આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા.