Charotar Sandesh
ગુજરાત

મંગળ બન્યો અમંગળ : જુદા જુદા અકસ્માતમાં ૧૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા…

ગાંધીનગર : ગુજરાતમાં આજે મંગળવારના દિવસે અમંગળ ઘટનાઓની વણઝાર લાગી છે. સવારે ભરૂચમાં અકસ્માતમાં એકનું બાળકનું મોત થયુ હતુ જ્યારે મહેસાણામાં ૩ શિક્ષકોના મોત થયા હતા. અને સવારે કલોલમાં ગેસલીકેજને કારણે થયેલ બ્લાસ્ટમાં ૨ લોકોના મોત થયા હતા. વળી સવારે દમણમાં પણ વેપારીના દીકરાનું અકસ્માતમાં મોત થયું હતુ. ખેડામાં પણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. અને હવે જામનગરમાં ૩ લોકોના મોત થયા છે. અમદાવાદથી પાટણ દર્શન માટે જઈ રહેલા એક પરિવારને પણ અકસ્માત નડ્યો હતો જેમાં દીકરીનું મોત થયું હતું. જામનગર અકસ્માતમાં ૩ લોકોના મોત થતા ફફડાટ ફેલાયા છે. શહેરની ભાગોલે મોરકંડા પાટીયા પાસે અકસ્માત થયો છે. માલવાહક ટોમ્પોએ ૪ પદયાત્રીઓને અડફેટે લીધા હતા અને ૩ વ્યક્તિઓના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ છે.
કલોલમાં ગેસ પાઈપલાઈનમાં આગ લાગી હતી જેને પગલે બે મકાનો ધરાશાયી થઈ ગયા હતા જેને પગલે ૨ લોકોના મોત થયા હતા અને ૪ લોકો ઘાયલ થયા હતા. મહેસાણામાં ગમખ્વાર અકસ્માતમાં ૩ શિક્ષકોના મૃત્યુ થયુ છે. પાંચોટ તળાવમાં કાર ખાબકતા મહેસાણાથી નોકરીએ જઈ રહેલા ૩ શિક્ષકો મૃત્યુને ભેટ્યા છે. કાર ચલાવતી વખતે શ્વાન વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાળ તેમને ભરખી ગયો હતો. આ અકસ્માતમાં ૧ મહિલા અને ૨ પુરૂષના મૃત્યુ પામ્યા છે. આ શિક્ષકો રાધનપુર નજીક મોરવાડ જતા હતા.
ભરૂચ-જંબુસર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઈકો કાર અને કન્ટેનર અથડાયા હતા. અકસ્માતમાં ૭ વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે. જેમાં ૩ ઘાયલ છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખેડામાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કઠલાલ ઓવર બ્રિજ પાસે અકસ્માત થયો હતો. ઉભેલા ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકચાલકનું ઘટનાસ્થળ પર કરૂણ મોત થયુ હતુ. પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. દમણના વરકુંડમાં બાઇક સ્લીપ થતા વેપારી પુત્રનું મૃત્યુ થયું છે. બટાકાના વેપારી ઓમપ્રકાશ ઠાકુરના પુત્ર જયદીપસિંગનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ૧૦૦ની સ્પીડમાં ટર્ન મારવા જતા બાઇક સ્લીપ થયુ હતુ.
બાઇક સ્લીપ થઇ ડિવાઇડર સાથે અથડાતા જયદિપસિંગનું મૃત્યુ થયું હતુ. ૩૮ વર્ષીય જયદીપસિંગની પાછળ બેઠેલા મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત રૂ.૧૦ લાખની કિંમતનું હતું વિદેશી સ્પોટ્‌ર્સ બાઇક હાર્લી ડેવિડસન હતુ. વેપારી પુત્રના બાઇકની સ્પીડ ૧૦૦થી વધુ હોવાનું સામે આવ્યું છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા દધીચિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુજી મફાજી ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાજુજી પત્ની અલકા અને ૧૧ વર્ષની પુત્રી કિંજલ સાથે પાટણ શક્તિ માતાનાં દર્શન કરવા માટે પલ્સર બાઇક પર પોતાના ઘરેથી નીકળ્યા હતા. રાજુજી તપોવન સર્કલ તરફ પહોંચ્યા ત્યારે પુરઝડપે આવેલા ટ્રેલરના ચાલકે બાઇકને અડફેટમાં લીધું હતું. ટ્રેલરની ટક્કરથી રાજુજી, અલકા અને કિંજલ જમીન પર પટકાયાં હતાં, જ્યાં કિંજલના હાથ પર ટાયર ફરી વળ્યું હતું, જ્યારે રાજુજી અને અલકાને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરોએ કિંજલને મૃત જાહેર કરી હતી. અડાલજ પોલીસે આ મામલે ટ્રેલરના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવીને અકસ્માત કરવાના મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

એક ઇસમ નકલી PSI બન્યો, પકડાયા પછી જાતે જ પ્રમોશન લઇને બન્યો નકલી DySP…

Charotar Sandesh

કોરોના સંકટમાં ગુજરાતમાં મંત્રીઓ, ધારાસભ્યોના પગારમાં ૩૦% ધરખમ ઘટાડો…

Charotar Sandesh

ગુજરાત હાઇકોર્ટમાં ૧૨મી ડિસેમ્બરના રોજ ઈ-લોક અદાલત યોજાશે…

Charotar Sandesh