Charotar Sandesh
ઈન્ડિયા

મમતાની ઇચ્છા વર્ષ ૨૦૨૧માં પૂરી થઈ જશે, બંગાળમાં ભાજપની સરકાર બનશે : શાહનો હુંકાર

કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાહુલ ગાંધીને પ્રવાસી નેતા ગણાવ્યા…

ન્યુ દિલ્હી : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રમાં ભાજપની સરકાર વચ્ચે ખેંચતાણ વધતી જાય છે. કોરોના સામેની લડાઈ પર મમતા બેનર્જી પર ગુસ્સામાં આવીને કહ્યું કે, જો કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની કામગીરીથી નારાજ હોય, તો અહીં આવીને રાજ્ય સરકારનો વહીવટ કરે. તેમના આ વિધાન પર હવે ગૃહ મંત્રીએ અમિત શાહે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, મમતા બેનર્જીએ વધારે પરેશાન થવાની જરૂર નથી, વર્ષ ૨૦૨૧માં ભાજપ રાજ્યમાં સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. પશ્ચિમ બંગાળમાં વર્ષ ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
કોરોનાવાયરસ સામેની લડાઈને લઈને બંગાળની તૃણમૂલ સરકારની કામગીરી પર કેન્દ્ર સરકારે પ્રશ્રો ઉઠાવ્યાં હતાં. કેન્દ્ર સરકારે મમતા સરકાર પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં કેન્દ્ર સરકારે રાજ્યમાં કેન્દ્રની એક ટુકડી પણ મોકલી હતી. આ ટુકડીએ ખુલાસો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર કોરોનાવાયરસ રોગચાળાને ગંભીરતાથી લેતી નથી અને રાજ્યમાં વાયરસનો પ્રસાર ‘આઉટ ઓફ કન્ટ્રોલ’ છે. આને લઈને કેન્દ્ર અને મમતા બેનર્જી વચ્ચે વાકયુદ્ધ થયું હતું.
કેન્દ્રના આ પ્રકારનાં અભિગમથી મમતા બેનર્જી નારાજ થયા હતા અને તેમણે ગુસ્સામાં આવીને સીધું ને સટ સંભળાવી દીધું હતું કે, જો મારી સરકારની કામગીરીથી કેન્દ્ર નારાજ હોય, તો અમિત શાહને જ બંગાળની સરકાર ચલાવવા મોકલે. એના જવાબમાં અમિત શાહે કહ્યું છે કે, મમતા બેનર્જીની ઇચ્છા ઝડપથી પૂર્ણ થઈ જશે અને વર્ષ ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું છે કે, હું સાંસદ હોવાથી રાજ્ય સરકાર ન ચલાવી શકું, પણ અમારો પક્ષ બંગાળમાં જરૂર સત્તા પર આવશે.
અમિત શાહે મમતા બેનર્જીની સાથે સાથે રાહુલ ગાંધી પર પણ તીર છોડ્યાં હતાં અને પરોક્ષ રીતે પ્રવાસી રાજનેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી એક યોજના લઈને ફરી રહ્યાં છે. તેઓ તમામના ખાતામાં નાણાં જમા કરવાની વાત કરે છે. જનતાએ એમની આ યોજના લોકસભાની ચૂંટણીમાં જ નકારી કાઢી છે.

Related posts

તેલુગુ સુપરસ્ટારે જન્મદિન પર ૫ રાજ્યોમાં ફ્રીમાં આઇસ્ક્રીમ ખવડાવ્યો

Charotar Sandesh

કેજરીવાલની વિદ્યાર્થીઓને મોટી ગિફ્ટ, ગરીબ બાળકોને ૧૦૦% સ્કોલરશિપ

Charotar Sandesh

લેહમાં પત્રકારોને લાંચ આપવાનો ભાજપ સામે આક્ષેપ

Charotar Sandesh