Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્ર સ્થિતિ વણસી : કોરોનાના એક દિવસમાં ૪૩,૦૦૦ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા…

કોરોનાની બીજી લહેર જીવલેણ, ૬ મહિના બાદ ૮૧ હજાર નવા કેસ…
વધુ ૪૬૧ના મોત સાથે મૃતાંક ૧,૬૩,૩૯૬એ પહોંચ્યો, એક દિવસમાં આટલા મૃત્યુઆંક ૬ ડિસેમ્બર બાદ પહેલીવાર નોંધાયા…
મહામારીમાં સપડાયેલાનો કુલ આંકડો ૧.૨૩ કરોડથી ઉપર પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતમાં ૬ મહિના પછી કોરોનાના ૨૪ કલાકમાં ૮૧,૪૬૬ નવા કેસ નોંધાયા છે, ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે દેશમાં ૮૧,૪૮૪ કેસ નોંધાયા હતા અને તે પછી લાંબા સમયે એક સાથે આટલો મોટો આંકડો પહોંચ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારે દેશમાં નવા નોંધાયેલા ૮૧,૦૦૦ કરતા વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧,૨૩,૦૩,૧૩૧ થઈ ગયો છે.
વધુ ૪૬૯ લોકોએ પાછલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જેની સાથે કુલ આંકડો ૧,૬૩,૩૯૬ થઈ ગયો છે. એક દિવસમાં આટલા મૃત્યુઆંક ૬ ડિસેમ્બર પછી પહેલીવાર નોંધાયા છે.
ભારતમાં કોરોનાને હરાવીને સાજા થયેલા લોકોની ટકાવારી ૯૩.૬૭% છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા ૧,૧૫,૨૫,૦૩૯ થઈ ગઈ છે. જ્યારે કુલ કોરોના કેસ સામે મૃત્યુઆંકની ટકાવારી ૧.૩૩% છે.
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૬ લાખને પાર કરી ગયો છે. જ્યારે ૫થી ૬ લાખ સુધી પહોંચતા માત્ર ૪ દિવસનો સમય લાગ્યો છે. આ દેશમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી ઝડપી એક્ટિવ કેસ વધ્યા છે.
ભારતમાં સપ્ટેમ્બર અંતિમ અઠવાડિયા સાથે હાલની સરખામણી થઈ રહી છે, પરંતુ મૃત્યુઆંક તે દિવસો કરતા ઘણો નીચો છે. ૧ એપ્રિલના રોજ ૪૬૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧ ઓક્ટોબરે ૧,૧૦૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. તે દિવસોમાં કોરોનાના કારણે અઠવાડિયા દરમિયાન થતા મૃત્યુનો સરેરાશ આંકડો ૧,૦૬૮ પહોંચ્યો હતો.
ગુરુવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાતા કેસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યમાં ગુરુવારે ૪૩,૧૮૩ કેસ નોંધાયા છે. જે કોરોનાની મહામારી આવ્યા પછીના રાજ્યમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
રાજ્યમાં નવા નોંધાયેલા ૪૩,૦૦૦ કરતા વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો ૨૮,૫૬,૧૬૩ પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં વધુ ૨૪૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જેની સાથે કુલ મૃત્યુઆંક ૫૪,૮૯૮ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રની સાથે રાજ્યની રાજધાની મુંબઈમાં પણ રેકોર્ડ ૮,૬૪૬ નવા કેસ નોંધાયા છે.
કોરોના રસીની વાત કરીએ તો રસીકરણના હાલના તબક્કે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોની સંખ્યા લગભગ ૩૪ કરોડ છે. કેન્દ્રે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ વર્ગના લોકોને ૧૫ દિવસની અંદર રસી લગાવવાનું કહ્યું છે. જો કે, કેટલાક લોકોને અત્યાર સુધી રસી લાગી પણ ચૂકી છે. કેમ કે, સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં પણ આ ઉંમરના લોકો સામેલ છે.

Related posts

૧ જાન્યુઆરીથી જૂનાં વાહનો માટે ફાસ્ટેગ બનશે ફરજિયાત…

Charotar Sandesh

અમિત શાહને અમરિન્દર સિંઘે કહ્યું- ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવો…

Charotar Sandesh

ચંદ્રને ગળે લગાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની : પીએમ મોદી

Charotar Sandesh