Charotar Sandesh
ગુજરાત

મહેશ-નરેશ બંધુ બેલડીના ઐતિહાસિક યુગનો અંતઃ મહેશ કનોડિયાની ચીર વિદાય…

૩૨ કલાકારોનાં અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર હતા મહેશ કનોડિયા, નરેશ કનોડિયાની તબિયત નાજૂક…

ગાંધીનગર : ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયાનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ તેઓએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધી હતા. મહેશ કનોડિયા ગુજરાતના પ્રખ્યાત એક્ટર નરેશ કનોડિયાના ભાઈ છે. મહેશ કનોડિયા પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં ગીતો ગાઈ શકતા હતા. આ ઉપરાંત તેઓ પાટણના સાસંદ પણ રહી ચૂક્યા હતા. મહેશ કનોડિયા ગુજરાતના મશહૂર સંગીતકાર (બંધુ બેલડી “મહેશ-નરેશ”) પૈકીના એક છે, અને નરેશ કનોડિયાના મોટાભાઈ છે. તેઓ પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા છે. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક છે. તેઓ સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત છે. તેઓ જુદા જુદા ગાયકોનાં દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરે ૩૨ કલાકારોનાં અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાબા સમય સુધી રહેલા છે.
મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો હોય ત્યારે નરેશ કનોડિયા એન્કરિંગ કરતા, ડાન્સ કરતા, ગીતો ગાતા. મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવ્યા. તેમણે નરેશજીને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે. અમારી ઈચ્છા છે તે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે. અને આ ફિલ્મ હતી વેણીને આવ્યા ફૂલ. ગુજરાતી ફિલ્મો ઉપરાંત મહેશ કનોડિયાએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે.
આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દિગ્ગજોએ ગાયેલાં છે. મહેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. મહેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(નરેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.
આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી. ૨૦ ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત લથડી છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૮૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટિ્‌વટ કરીને લખ્યું, ગુજરાતી ગીત સંગીતના જાણીતા કલાકાર, ગુજરાતના પૂર્વ સાંસદ મહેશકુમાર કનોડિયાના નિધનથી ખૂબ દુઃખ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી મહેશ કનોડિયાને પ્રાપ્ત થયેલ એવોર્ડ
(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (૧૯૭૦-૭૧) (સંગીતકાર તરીકે)
(૨) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (૧૯૭૪-૭૫) (સંગીતકાર તરીકે)
(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧) (નિર્માતા તરીકે)
(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧) (સંગીતકાર તરીકે)
(૫) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (૧૯૮૧/૮૨)
(૬) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (૧૯૯૧-૯૨) (સંગીતકાર તરીકે)

Related posts

મહાનગરોમાં ૭૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલ્ડ કરાશે : વિજય રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં મોતની બીજી ઘટના ! ધોરણ-૧ર બોર્ડની પરીક્ષા આપવા જાય તે પહેલા હાર્ટ એટેકથી મોત

Charotar Sandesh

ભૂજ, ભરૂચ, પંચમહાલ અને વલસાડના ગામોનો સંપૂર્ણ પણે ચૂંટણી બહિષ્કાર…

Charotar Sandesh