Charotar Sandesh
ઈન્ડિયા

માત્ર પ્રથમ પત્નીને જ પતિના પૈસા પર દાવો કરવાનો અધિકાર : બૉમ્બે હાઈકોર્ટ

મુંબઇ : બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે, કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિને બે પત્નીઓ છે અને બન્ને તેની સંપત્તિ પર દાવો કરે છે, તો માત્ર પ્રથમ પત્નીનો જ તેના પર અધિકાર છે, પરંતુ બન્ને લગ્નોથી જન્મેલા બાળકોને પણ સંપત્તિ મળશે.
ન્યાયધીશ એસજે કથાવાલા અને માધવ જામદારની પીઠે આ મૌખિક ટિપ્પણી કરી હતી. રાજ્ય સરકારે જણાવ્યું કે, હાઈકોર્ટની ઓરંગાબાદની પીઠે આ પ્રકારનો એક ચુકાદો અગાઉ આપ્યો હતો. જે બાદ પીઠે આ ટિપ્પણી કરી હતી.
ન્યાયધીશ કથાવાલાની અધ્યક્ષતાવાળી પીઠે મહારાષ્ટ્ર રેલવે પોલીસ ફોર્સના સહાયક ઉપનિરીક્ષક સુરેશ હાટનકરની બીજી પત્ની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરવા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. હાટનકરનું ૩૦ મેના રોજ કોરોનાના કારણે મોત થયું હતું.

રાજ્ય સરકારના પ્રસ્તાવ પ્રમાણે, ફરજ દરમિયાન covid-૧૯થી મોતને ભેટનારા પોલીસ કર્મચારીને ૬૫ લાખનું વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. જે બાદ હાટનકરની પત્ની હોવાનો દાવો કરનારી બે મહિલાઓએ વળતરની રકમ પર પોતાનો અધિકાર જતાવ્યો હતો.

બાદમાં હાટનકરની બીજી પત્નીની પુત્રી શ્રદ્ધાએ બોમ્બે હાઈકોર્ટની શરણે પહોંચી હતી. તેનું કહેવું હતું કે, વળતરની રકમમાં તેમને પણ અડધો ભાગ મળવો જોઈએ. જેથી તે અને તેની માતા ભૂખમરી અને બેઘર થવાથી બચી શકે.
જે બાદ કોર્ટે કહ્યું કે, કાયદો કહે છે કે, બીજી પત્નીને કશું જ ના મળી શકે. જો કે બીજી પત્નીથી જન્મેલી પુત્રી અને પ્રથમ પત્ની અને પ્રથમ પત્નીથી જન્મેલ પુત્રી રકમની હક્કદાર છે.

Related posts

વર્ષ 2017ની સરખામણીએ ભાજપે બે વર્ષમાં સાત રાજ્યોમાંથી સત્તા ગુમાવી…

Charotar Sandesh

દેશ વિરોધી અભિયાન ચલાવતી ૪૦ વેબસાઇટો પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ…

Charotar Sandesh

બિહારના ખુલાસાથી વધ્યો મૃતકઆંક : ઘટતા કેસો સામે કલાકમાં જ રેકૉર્ડબ્રેક ૬,૧૪૮ લોકોના મોત…

Charotar Sandesh