મુંબઇ : મુંબઈમાં બુધવારે ચોમાસાએ દસ્તક દીધી હતી ત્યારબાદથી મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ મુંબઈની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. વરસાદના કારણે અહીંના મલાડ વેસ્ટમાં એક ઘર ગઈ રાતે ધસી પડ્યુ જેના કારણે ૧૧ લોકોના મોત થઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેનાથી લોકોને અવર-જવરમાં ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આખો દિવસ વરસેલા મૂશળધાર વરસાદના કારણે લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને મોડી રાતે આશરે ૧૧ઃ૦૦ કલાકે માલવાણી વિસ્તારમાં આવેલી ૪ માળની ઈમારત અચાનક જ ધરાશયી થતા ૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મલાડ વેસ્ટના માલવાણી વિસ્તારમાં આવેલી ૪ માળની ઈમારત બુધવારે રાતે ૧૧ઃ૦૦ કલાકે ધસી પડી હતી. ઈમારત ધરાશયી થવાના કારણે ૧૧ લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય ૭ લોકોને બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈમારત ધરાશયી થઈ તે સમયે કેટલાક બાળકો સહિત અનેક લોકો ઈમારતની અંદર હતા.
દુર્ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે સિવાય સ્થાનિક પોલીસે લોકોની મદદ વડે કાટમાળમાં ફસાયેલા ૧૫ લોકોને બહાર કાઢ્યા હતા. જાણવા મળ્યા મુજબ દુર્ઘટના સમયે ઈમારતમાં આશરે ૨૦ કરતા વધારે લોકો ઉપસ્થિત હતા જેમાં કેટલાક બાળકો પણ હતા.
બૃહનમુંબઈ નગર નિગમ (બીએમસી)ના કહેવા પ્રમાણે આજુબાજુની અન્ય ૩ ઈમારતો પણ ખતરનાક સ્થિતિમાં છે અને તેને ખાલી કરાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખના કહેવા પ્રમાણે શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઈમારત ધસી પડી હતી.
મુંબઈમાં બુધવારે આખો દિવસ ભારે વરસાદ વરસ્યો હતો જેથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એટલે સુધી કે રસ્તાઓ અને રેલવેના પાટા પણ બંધ કરી દેવા પડ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આગામી ૪ દિવસ માટે મુંબઈ સહિત વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપેલું છે.