મુંબઈ : સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર છે અને તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. કોરોના બાદ ધીમે ધીમે ફિલ્મોનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેની ફિલ્મોની ઘણી ડિમાન્ડ છે. તેની નવી ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમુલુ’ છે અને તે નેટફ્લિક્સ પર મોખરાના સ્થાને ટ્રેન્ડ થઇ રહી છે. તાજેતરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘સરૈનોડુ’ને પણ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
માહિતી મુજબ સ્ટાઇલિશ સ્ટારની ફિલ્મનું હિન્દી વર્ઝન યૂટ્યુબ પર ૩૦ કરોડ વખત જોવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનની ‘સરૈનોડુ’ આ રેકોર્ડ બનાવનારી પ્રથમ હિન્દી ડબ ફિલ્મ બની ગઈ છે. ટેલિવિઝન પર અલ્લુ અર્જુનની આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જૂન ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં તેને હિન્દીભાષી પ્રેક્ષકોમાં ૧.૧૩નું રેટિંગ મળ્યું હતું અને તે સોની મેક્સ પર પ્રસારિત થઈ હતી. બે સપ્તાહ બાદ તેની ટીઆરપી વધીને ૧.૧૭ થઈ ગઈ હતી. ‘સરૈનોડુ’ની વાર્તા ભૂતપૂર્વ આર્મી જવાનની છે જે ભ્રષ્ટ લોકો સાથે ટકરાઈને બધું સુધારવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. અલ્લુ અર્જુનની સફળતાનું રહસ્ય એક્શન, કોમેડી અને રોમાન્સ છે. તેને કારણે તે દેશભરમાંથી પ્રેક્ષકોને આકર્ષે છે. અલ્લુ અર્જુનના ફેન્સ હવે ‘અલા વૈકુંઠપુરૂમુલુ’ના હિન્દી વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. તેની હિન્દી ડબ ફિલ્મો ‘સન ઓફ સત્યમૂર્તિ’, ‘દુવાડા જગન્નાધામ’ અને ‘મૈં હું લકી’ પણ યૂટ્યુબ પર ખૂબ જ પ્રચલિત છે.