Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં દિવાળીની રાત્રે આગની ૪ ઘટનાઓ, લાખોનું નુકશાની…

અમદાવાદ : સમગ્ર રાજ્ય જ્યારે દિવાળીના પર્વની ઊજવણી કરી રહ્યું હતું ત્યારે રાજ્યમાં અકસ્માતોની પણ વણઝાર થઈ હતી. ખાસ કરીને આગના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં દિવાળીની રાત્રે જુદા જુદા ચાર સ્થળો પર આગની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં અમદાવાદ, વલસાડ, ગોધરા અને સુરતમાં દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જોકે, આ ઘટનાઓમાં રાત્રિનો સમય હોવાથી અને ખાસ કરીને દિવાળીની રજાના માહોલના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીમાં એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અડધી રાત્રે ઉમરગામ જીઆઇડીસીના થર્ડ ફેસ માં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. સોવેન કેમિકલ્સ નામની કંપનીમાં કેમિકલ બનતું હોવાથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપની નો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરગામની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.
ગોધરા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા ઝૂલેલાલ મંદિર પાસે આવેલી કાપડની દુકાનમાં આગની ઘટના સામે આવી હતી. નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવતા આગ કાબુમા આવી હતી પરંતુ લાખો રૂપિયાની કિંમતનો કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.
સુરતમાં લસકાણા વિસ્તારમાં આવેલા જલારામ સ્ટીલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૧૦ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી.

Related posts

ચૂંટણી માટે કોંગ્રેસનો ‘શપથ પત્ર’ જાહેર, ટેક્સમાં રાહત આપવા સહિત કરી અનેક મોટી જાહેરાત…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે રૂપાણી સરકાર ૬૬ લાખ પરિવારોને ૧ હજારની મદદ કરશે…

Charotar Sandesh

રૂપાણી સરકારે ૩ મે પછી લોકડાઉન એકસાથે નહીં હટાવી લેવાય એ સ્પષ્ટ કર્યું…

Charotar Sandesh