Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનું જોર વધ્યુંઃ નલિયામાં લઘુતમ તાપમાન ૫ ડીગ્રી નોંધાયું…

અમદાવાદ : રાજ્યમાં માવઠા બાદ હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છના નલિયામાં કોલ્ડ વેવ રહેશે. આ દરમિયાન કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત સાથે નલિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન ઘટીને ૫ ડીગ્રી નોંધાયું છે. એટલે કે બે દિવસમાં નલિયાનું તાપમાન પાંચ ડીગ્રી સુધી ઘટી ગયું છે. જોકે, અન્ય શહેરોનું તાપમાન યથાવત નોંધાયું છે.
રાજ્યમાં અન્ય શહેરના લઘુતમ તાપમાન જોઈએ તો સામાન્ય તાપમાન કરતા ઊંચું નોંધાયું છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૧ ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન ૧૭.૬ ડીગ્રી, સુરતનું લઘુતમ તાપમાન ૧૮.૮ ડીગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩.૨ ડીગ્રી, ભુજનું લઘુતમ તાપમાન ૧૧.૯ ડીગ્રી, નલિયાનું લઘુતમ તાપમાન ૫ ડીગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૬.૫ ડીગ્રી નોંધાયું છે.
નલિયામાં હાલ હાડ થીજવી દેતી ઠંડી પડી રહી છે. બીજી તરફ અન્ય શહેરોમાં બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. સામાન્ય રીતે ડિસેમ્બરની શરૂઆત સાથે જ ઠંડી શરૂ થઈ જતી હોય છે. પંરતુ આ વર્ષે વાવાઝોડા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ થયો હતો. આ કારણે વિવિધ શહેરોમાં તાપમાન ઊંચું નોંધાયું હતું. જોકે, હવે પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધશે. રાજ્યમાં ડિસેમ્બર અંત સુધીમાં કાતિલ ઠંડીનો અનુભવ પણ થશે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી ૧૦ અને ૧૨ ડિસેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે તે સમયે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે વરસાદ બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જે અનુસંધાને હાલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

Related posts

રસી લેવી કે ન લેવી તે મારો અંગત નિર્ણય, એરફોર્સનો અધિકારી પહોંચ્યો હાઈકોર્ટમાં…

Charotar Sandesh

રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ, રંગોત્સવ પર ‘પ્રતિબંધ : નીતિન પટેલ

Charotar Sandesh

તંત્ર આળસ ખંખેરતુ નથી, ગૃહમંત્રીને રજૂઆત કરીશ : ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, જાણો વિગત

Charotar Sandesh