Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં વ્યક્તિની હાજરીની સંખ્યા વધારવા ઉઠી માગ…

ગાંધીનગર : ગુજરાત વેપારી મહામંડળે, લગ્ન, મરણ સહિત સામાજિક, ધાર્મિક અને રાજકીય સમારોહમાં હાજરી આપવા માટેની મર્યાદા હાલ ૧૦૦ વ્યક્તિથી વધારીને ૨૦૦ વ્યક્તિની કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત રજુઆત કરી છે. તા.૧૫ ઓક્ટોબર પછી ધાર્મિક, સામાજિક અને રાજકીય સમારોહમાં ૨૦૦ વ્યક્તિને હાજરી માટેની છૂટ આપવાની રાજ્ય સરકારોને સત્તા આપતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈને આ મર્યાદા વધારવા અંગે વહેલી તકે જાહેરાત કરવા માંગણી કરાઈ છે.

જીસીસીઆઈએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, કોવિડ-૧૯ના રોગચાળાને કારણે હોટલ, કેટરીંગ, મંડપ કીપર્સ, સાઉન્ડ સિસ્ટમ, વગેરે જેવા ધંધાને ભારે ફટકો પડયો છે. હોટલ, રેસ્ટોરેન્ટ, કેટરીંગ સહિતના ધંધા મોટાપાયે રોજગારી પૂરી પાડતા હોવાથી હાલના સંજોગોમાં લાખો લોકોને માઠી અસર થઈ છે. કોરોના વકર્યા પછી આ ધંધાઓ સાથે સંકળાયેલા લોકોને જીવનનિર્વાહ કરવાનું મુશ્કેલ બની ગયું છે. અનલોકમાં ઘણાં વેપાર- ધંધા પુનઃ શરૂ થઈ ગયા છે. પરંતુ લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં વધુ લોકોની હાજરીની છૂટ નહીં આપવાને કારણે કેટરીંગ, મંડપ કીપર્સ, વગેરે ધંધા હજુય ઠપ્પ હોવાથી હજારો લોકોની હાલત કફોડી બની ગઈ છે.

સામાજિક પ્રસંગોમાં ફક્ત ૧૦૦ વ્યક્તિની હાજરી માટે છૂટ અપાઈ હોવા છતાં કોરોનાના સંક્રમણના ‘હાઉ’ને કારણે મોટાભાગે લોકો સામાજિક પ્રસંગો યોજવાનું ટાળે છે. જેના કારણે કેટરર્સ, ડેકોરેટર્સ, મંડપ કીપર્સ, ઈલેક્ટ્રીશીયન, સાઉન્ડ સિસ્ટમ, ઈવેન્ટ મેનેજમેન્ટના આયોજકો, વગેરે આનુષાંગિક સેક્ટરના લાખો લોકોને બેરોજગારીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાજિક પ્રસંગોમાં લોકોની હાજરીની સંખ્યા વધારવા માટેની છૂટ આપવામાં આવે તો હાલ બેકારીના સમયગાળામાં હજારો બેરોજગારોને રોજગારી મળી શકશે અને લોકોને જીવન નિર્વાહમાં વેઠવી પડતી મુશ્કેલી દૂર થઈ શકશે.

Related posts

મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લીધો

Charotar Sandesh

રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હવે DBTથી વેતન બેંક ખાતામાં મળશે…

Charotar Sandesh

રાજ્યમાં કિકિયારી સાથે લોકોએ ડી.જે. વગર સાયલન્ટ ઉત્તરાયણ ઊજવી કરી…

Charotar Sandesh