Charotar Sandesh
સ્પોર્ટ્સ

લૉકડાઉન પછી રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડીઝનો ૪ વિકેટે વિજય…

બ્લેકવુડની ૯૫ રનની ઇનિંગ્સ થકી ત્રણ ટેસ્ટની સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી…

સાઉથૈમ્પટન : ફટાફટ ક્રિકેટ એટલે કે ટી૨૦ની માહિર વેસ્ટઈન્ડિઝ ટીમે વનડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ચોંકાવતા પ્રથમ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી છે. કોરોના વાયરસને કારણે ૧૧૭ દિવસ બાદ ક્રિકેટની વાપસી થઈ હતી અને મહેમાન ટીમે યજમાન ટીમને ચાર વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ક્રિકેટના નવા અધ્યાયની જીત તેના નામે થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે તેને ૨૦૦ રનનો લક્ષ્ય આપ્યો હતો, જેને તેણે ૬૪.૨ ઓવરોમાં ૬ વિકેટના નુકસાન પર ૨૦૦ રન બનાવીને હાસિલ કરી લીધો હતો. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ૧૬ જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડમાં જૈવિક વાતાવરણમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે બ્લેકવુડે સૌથી વધુ ૧૫૪ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૯૫ રન બનાવ્યા, જ્યારે રોસ્ટન ચેઝના નામે ૮૮ બોલમાં ૩૭ રન રહ્યાં હતા. જેસન હોલ્ડરે અણનમ ૧૪ અને ડોવરિચે અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે કેપ્ટન સ્ટોક્સના ખાતામાં બે વિકેટ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૦૪ રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં ૩૧૩ રન. બીજીતરફ વિન્ડીઝે પ્રથમ ઈનિંગમાં ૩૧૮ રન બનાવ્યા અને તેને ૨૦૦ રનનો લક્ષ્ય મળ્યો હતો. ૨૦૦ રનના આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમની શરૂઆત જોફ્રા આર્ચરે ખરાબ કરી દીધી હતી. આર્ચરે સવારના સેશનમાં ક્રેગ બ્રેથવેટ (ચાર) અને સમર બ્રૂક્સ (૦)ને પેવેલિયન મોકલી આપ્યા જ્યારે માર્ક વુડે શાઈ હોપ (૯)ને આઉટ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલી તે માટે પણ વધી કારણ કે ઓપનિંગ બેટ્‌સમેન જોન કેંપબેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આર્ચરનો યોર્કર તેના પગ પર લાગ્યો અને તેણે મેદાન છોડવુ પડ્યું હતું.
આર્ચર અને જેમ્સ એન્ડરસને શરૂઆતથી ઘાતક બોલિંગ કરતા વિન્ડીઝના બેટ્‌સમેનોને મુશ્કેલીમાં રાખ્યા હતા. બારબાડોસમાં જન્મેલા ફાસ્ટ બોલર આર્ચરે છઠ્ઠી ઓવરમાં ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી જ્યારે બ્રેથવેટ બોલ્ડ થયો હતો. આર્ચરે બ્રૂક્સને ત્યારબાદની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યારબાદ વુડે હોપને બોલ્ડ કરી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે બીજા સેશનમાં આકર્ષક બ્લેકવુડની અડધી સદી રહી. તેણે અત્યાર સુધી ચેઝનો સારો સાથ મળ્યો હતો. ચેઝ આર્ચરના બાઉન્સર પર બટલરને કેચ આપી બેઠો હતો. આ વચ્ચે શેન ડોવરિચે ૨૦ રન બનાવતા બ્લેકવુડ સાથે મહત્વની ભાગીદારી કરી હતી. ડોવરિચને બેન સ્ટોક્સે વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. વિન્ડીઝનો સ્કોર ત્યારે ૫ વિકેટ પર ૧૬૮ રન હતો. ૯૫ રનની શાનદાર ઈનિંગ રમનાર બ્લેકવુડ માત્ર ૫ રનથી સદી ચુકી ગયો હતો. તેને બેન સ્ટોક્સે આઉટ કર્યો હતો. બ્લેકવુડે ૧૫૪ બોલનો સામનો કર્યો અને ૧૨ ચોગ્ગાની મદદથી ૯૫ રન બનાવ્યા હતા.

Related posts

કપિલ દેવની સ્થિતિ બરાબર, થોડાક દિવસોમાં આપવામાં આવશે રજાઃ હેલ્થ બુલેટીન

Charotar Sandesh

મેકગ્રા ગ્રેટ, પણ શ્રીનાથ પણ કંઇ કમ નહીંઃ પાર્થિવ પટેલ

Charotar Sandesh

PM મોદી ટોક્યો ઓલિમ્પિકમાં જતાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે, આપશે ગુરુમંત્ર

Charotar Sandesh