સરકારનો મોટો નિર્ણય : ૧ માર્ચથી બીજા ફેઝની શરૂઆત…
ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે કોરોના વેક્સિન વિશે એક મોટા નિર્ણયની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે, ૪૫ વર્ષથી ઉપરના બીમાર અને ૬૦ વર્ષથી ઉપરના દરેક લોકોને સરકારી કેન્દ્ર પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ૧૦ હજાર સરકારી અને ૨૦ હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન ૧ માર્ચથી શરૂ થશે. દેશમાં ૧૦ કરોડ ૪૦ લાખ લોકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધારે છે.
જાવડેકરે કહ્યું કે, સરકારી કેન્દ્રો સિવાય ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે ચાર્જ આપવો પડશે. જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માંગે છે તે લોકો એ ચાર્જ ચૂકવવો પડશે. આગામી ૩-૪ દિવસોમાં સ્વાસ્થય મંત્રાલય આ વિશે નિર્ણય લેશે કે કાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે કેટલી ફી ચૂકવવી પડશે. સ્વાસ્થય મંત્રાલય આ વિશે મેન્યુફેક્ચર્સ અને હોસ્પિટલો સાથે વાત કરી રહ્યા છે.
દુનિયામાં ઘણાં દેશોએ, ખાસ કરીને ચીને ગયા વર્ષે જૂનમાં અને રશિયાએ ઓગસ્ટમાં વેક્સિનેશન શરૂ કરી દીધું છે. જ્યારે અમેરિકા, બ્રિટન સહિત મોટાભાગના દેશોએ ડિસેમ્બરમાં વેક્સિનેશનની શરૂઆત કરી છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થયું છે. ૨૨ ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર દુનિયામાંથી ૨૧ કરોડ લોકોને વેક્સિનેટ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે અમેરિકામાં ૬.૪૧ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી ચે. ત્યારપછી ચીનમાં ૪.૦૫ કરોડ, યુરોપીય સંઘમાં ૨.૭ કરોડ, યુકેમાં ૧.૮ કરોડ અને પછી ભારતમાં ૧.૧૯ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.