અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે માસ્ક વગર ફરતા અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા રાજનેતાઓ સામે કાનુન મુજબ આકરી કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો છે. હાલમાં જ રાજયમાં વધી રહેલી રાજકીય પ્રવૃતિ અને પેટા ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ અને કોંગ્રેસનાં અનેક વરિષ્ઠ નેતાઓએ રેલી-સરઘસ-સભાઓ તથા બેઠકોનાં આયોજનમાં કોરોના પ્રોટોકોલનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે ચડયા હતા પણ પોલીસ તંત્ર ફકત મૂક સાક્ષી બની રહ્યુ હોવાનુ જણાતુ હતું. ગુજરાત ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલે તેમની મેઈડન સૌરાષ્ટ્ર યાત્રામાં જ સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેની કોઈ ચિંતા કરી ન હતી અને તેના કારણે ભાજપના અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ કોરોના સંક્રમીત થયા હોવાની ફરીયાદ આવી હતી.
તો બાદમાં ખુદ સીઆર પાટીલ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા તો બાદમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહીતનાં અગ્રણીઓએ પણ પ્રોટોકોલ ભંગ કર્યો હતો. રાજયમાં જયારે લોકો કોરોના સંક્રમણથી પિડાઈ રહ્યા છે અને માસ્ક સોશ્યલ ડીસ્ટન્સના ભંગ બદલ દંડ પણ ભોગવી રહ્યા છે તે સમયે નેતાઓ માટે જે કાયદા-વિહોણી સ્થિતિ બનાવાઈ છે તેની આજે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને સરકારી ધારાશાસ્ત્રીને કોરોનાના પ્રતિબંધાત્મક આદેશો નેતાઓને પણ લાગુ કરવા માટે સુચના આપી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે રાજકીય નેતાઓ માસ્ક પહેરતા નથી અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા નથી તે ચલાવી લેવાય નહિં.
આ પ્રકારનાં લોકો સામે કડક કાર્યવાહી કરવા દંડ વસુલવાની સુચના હાઈકોર્ટે આપી હતી. હાલમાં જ ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયા અને ભાજપની સાથે જોડાયેલી ગાયિકા કિંજલ દવેએ પણ આ પ્રકારનાં દ્રશ્યો સર્જયા હતા. ભાજપના ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળ પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બન્યા પછી તેમનાં ભાવનગરનાં સ્વાગતમાં પણ કોરોનાની ચિંતા ન હોય તેવા વરવા દ્રશ્યો સર્જાયા હતા તેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.