ન્યુ દિલ્હી : એપ્રિલથી જરૂરી દવાઓના ભાવમાં વધારો થઇ શકે છે. તેમાં પેનકિલર, એન્ટીઇંફેક્ટિવ્સ, કાર્ડિયાક દવાઓ અને એન્ટીબાયોટિક્સ સામેલ છે. તેનું કારણ એ છે કે સરકારે દવા બનાવનાર કંપનીઓને વાર્ષિક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પ્રમાણે ભાવ વધારવાની મંજૂરી આપી દીધી છે. સરકારી નોટિફિકેશન પ્રમાણે ૨૦૨૦માં ડબલ્યુપીઆઇમાં ૦.૫ ટકા ફેરફાર થયો છે. ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ તેને નોટિફાઇ કર્યું.
એનપીપીએએ ફાર્માસ્યુટિકલ કંપનીઓને દર વર્ષે વાર્ષિક ડબલ્યુપીઆઇના આધાર પર શેડ્યુલ્ડ દવાઓના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીઓ દવાની કિંમતમાં ૨૦ ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેમના મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે.
ફાર્મા ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે કહ્યું કે અમને લાગે છે કે અમને જે ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે તે ખૂબ ઓછી છે. મહામારી દરમિયાન કાચા માલના ભાવ, દરિયાઈ નૂર અને પેકેજિંગ મટિરિયલ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમે ઝડપથી ભાવ વધારવા માટે સરકાર પાસે પરવાનગી માંગવાનું વિચારી રહ્યા છીએ.
કાર્ડિયો-વસ્કુલર, ડાયાબિટીઝ, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-ઇન્ફેક્ટીવ્સ અને વિટામિન બનાવવા માટે વપરાતો મોટાભાગનો કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે. કેટલાક એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિઅન્ટસ માટે ચીન પર ૮૦ થી ૯૦ ટકા નિર્ભર છે.