Charotar Sandesh
સ્પોર્ટ્સ

‘હિટમેન’ની ધમાલ : ભારતે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચ્યો…

સુપર ઓવરમાં કિવિના ૧૮ રનના ટાર્ગેટ સામે રોહિતે અંતિમ બે બોલમાં બે છગ્ગા ફટાકરી જીત અપાવી
– ભારતે આપેલા ૧૮૦ રનના ટાર્ગેટ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં ૯ રનની જરૂર હતી, શમીએ આઠ રન આપી મેચને ટાઇ કરાવી
– ભારત વતી રોહિત શર્માએ આક્રમક ૪૦ બોલમાં ૬૫ રન ફટકાર્યા,સુપર ઓવરમાં પણ હિટમેને છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી
– ભારત પાંચ મેચોની ટી-૨૦ સિરિઝમાં ૩-૦થી આગળ,ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત દ્ધિપક્ષીય સિરિઝ જીતી
– ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સનની આક્રમક ૯૫ રનની ઇનિંગ પણ ટીમને જીત ન અપાવી શકી

હેમિલ્ટન : ભારતીય ટીમે અહીં રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પાંચ મેચોની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારત ન્યૂઝીલેન્ડની ધરતી પર પ્રથમ વખત કોઈ દ્વિપક્ષીય સિરીઝ કબજે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ કેપ્ટન કેન વિલિયમસનના ૯૫ રનની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૯ રન બનાવતા મેચ ટાઈમાં પરિણમી હતી. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૧૭ રન બનાવ્યા અને ભારતને જીતવા માટે ૧૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતને સુપર ઓવરમાં અંતિમ બે બોલમાં ૧૦ રનની જરૂર હતી ત્યારે રોહિત શર્માએ બે છગ્ગા ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલની ટી૨૦ સિરીઝ પહેલા માત્ર બે દ્વિપક્ષીય ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ છે. આ બંન્ને ટી૨૦ સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. એક દ્વિપક્ષીય ટી૨૦ સિરીઝ વર્ષ ૨૦૦૮-૨૦૦૯માં રમાઇ હતી. બે મેચોની આ ટી૨૦ સિરીઝમાં ભારતે ૦-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતને ૨૦૧૮-૨૦૧૯માં રમાયેલી ટી૨૦ સિરીઝમાં ન્યૂઝીલેન્ડે ૨-૧થી પરાજય આપ્યો હતો.
મહત્વનું છે કે હાલની ટી૨૦ સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારબાદ બીજી ટી૨૦ મેચ પણ સાત વિકેટે જીતીને ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૫ મેચોની ટી૨૦ સિરીઝમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. હવે સુપર ઓવરમાં વિજય મેળવીને ભારતે સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલમયમ્સને ૯૫ રનની ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે ૯ રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ શમીએ માત્ર ૮ રન આપ્યા હતા. તેણે અંતિમ બોલ પર રોસ ટેલરને આઉટ કરીને મેચ ટાઈ કરાવી હતી.

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરૂઆત મેળવી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે પાવરપ્લેમાં ૬૯ રન બનાવ્યા હતા. આ વચ્ચે રોહિત શર્માએ માત્ર ૨૩ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના ટી૨૦ કરિયરની ૨૦મી અડધી સદી હતી. રોહિત શર્મા ૪૦ બોલમાં ૬૫ રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે હામિશ બેનેટે પોતાની ચાર ઓવરમાં ૫૪ રન આપીને ત્રણ તથા કોલિન ડી ગ્રાન્ડહોમ તથા મિશેલ સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ૨૧ રન આપીને બે તથા જાડેજા, શમી અને ચહલને એક-એક સફળતા મળી હતી.

Related posts

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ખેલાડીઓ નામ-નંબરવાળી જર્સી પહેરશે…

Charotar Sandesh

મેસી-રોનાલ્ડોને પછાડી ફુટબૉલર લેવાનડૉસ્કીએ જીત્યો ફીફા અવોર્ડ…

Charotar Sandesh

બ્રાવો આઇપીએલમાંથી બહાર થતાં ટીમ માટે ઇમોશન વીડિયો શેર કર્યો

Charotar Sandesh