ન્યુ દિલ્હી : વીરેન્દ્ર સેહવાગ મેદાન પર ભલે હરીફ બોલર્સની ધોલાઈ કરવામાં પાવરઘો હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ કૂલ રહે છે. તે તેના મજાકીયા સ્વભાવ માટે જાણીતો છે. તે ક્રિકેટ રમતો હતો ત્યારે ડ્રેસિંગરૂમમાં ખૂબ જ મજાક કરતો રહેતો હતો અને સાથી ખેલાડીનું મનોરંજન કરતો રહેતો હતો. જોકે કેટલાક એવા પણ પ્રસંગ આવ્યા છે જ્યારે મુલતાનના સુલતાન તરીકે જાણીતો સેહવાગ ગુસ્સે પણ ભરાઈ જતો હોય છે. વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
તાજેતરમાં આઇપીએલની એક મેચ બાદ એક શોમાં ફેન્સના સવાલના જવાબ આપી રહેલા સેહવાગને પૂછવામાં આવ્યું હતું કે મેદાન પર મેચ દરમિયાન તમને સૌથી વધારે ગુસ્સો ક્યારે અને શા માટે આવ્યો હતો? આ સવાલ પર સેહવાગે જણાવ્યું હતું કે મને મેદાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે છે જ્યારે કોઈ ખેલાડી તેનું ૧૦૦ ટકા યોગદાન આપતો ન હોય અથવા તો તેના માટે પ્રયાસ કરતો ન હોય અને આમ થવાને કારણે ટીમ મેચ હારી જતી હોય.
સેહવાગે ઉમેર્યું હતું કે હું મેદાન પર જતો હોઉં ત્યારે મારું ૧૦૦ ટકા યોગદાન આપતો હોઉં છું અને બીજાએ પણ આમ કરવું જોઇએ. જેથી અમે એક ટીમ તરીકે રમીએ અને આમ ન થાય ત્યારે મને ગુસ્સો આવતો હોય છે એ સિવાય હું ક્યારેય ગુસ્સો કરતો નથી. એક યુઝરે પૂછ્યું હતું કે તમે સારું રમતા હો અને અમ્પાયર ખોટો આઉટ આપે તો કેવી લાગણી થાય ત્યારે સેહવાગે જવાબ આપ્યો હતો કે એવી જ લાગણી થાય જ્યારે તમે કોઈ છોકરીને પ્રપોઝ કરો અને તે તમને ના પાડી દે.