ન્યુ દિલ્હી : IPLન્માં ગઈકાલની બંને મેચો ખરા અર્થમાં રવિવારને સુપર સન્ડે બનાવ્યો. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં હરાવ્યું, જ્યારે બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ. પછી સુપર ઓવર પણ ટાઈ થઇ અને બીજી સુપર ઓવરમાં પંજાબે ૪ બોલમાં ૧૨ રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો. આ બધા ક્રિકેટના રોમાંચ વચ્ચે ફેન્સ ગ્લેન મેક્સવેલને તેના અત્યંત ખરાબ પ્રદર્શન બદલ ભારે ટ્રોલ કરી રહ્યા છે. મેક્સવેલ ગઈ કાલે રાત્રે ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એક ફેને ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાએ મેચમાં મેક્સવેલ કરતાં વધુ કેલરી બાળી છે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેક્સવેલના બેટનું બોલ સાથે સંગમ જ નથી થતું. તે ભારે મહેનત છતાં ટીમ માટે જરૂરી યોગદાન આપવામાં નિષ્ફ્ળ રહ્યો છે. તેણે સીઝનની ૯ મેચમાં ૧૧.૬૦ની એવરેજ અને ૯૨.૦૬ની સ્ટ્રાઇક રેટથી માત્ર ૫૮ રન જ બનાવ્યા છે. તે ૬૩ બોલ રમ્યો છે અને ૫ ફોર મારી છે. કોઈ સિક્સ નહીં. હા, તમે સાચું વાંચ્યું, હિટિંગ માટે જાણીતા મેક્સવેલે હજી સુધી લીગમાં એકપણ મેક્સિમમ મારી નથી.
મેસ્કવેલને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમે ઓસ્ટ્રેલિયા માટે આટલા સફળ થયા છો, પરંતુ IPLન્માં એવી સફળતાનો સ્વાદ ચાખ્યો કેમ નથી? આ અંગે જવાબ આપતાં મેક્સવેલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા વતી રમતી વખતે મારો રોલ ક્લિયર છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે અને અન્ય પ્લેયર્સ શુ કરશે, જ્યારે IPLન્માં રમતી વખતે પિક્ચર અલગ છે.