રાજકીય વગ ધરાવતા લોકોને વિશેષાધિકાર મળી જતો નથી
એમપી કોંગ્રેસના નેતા દેવેન્દ્ર ચોરસિયાની હત્યાના કેસમાં બસપા ધારાસભ્યના પતિને મળેલા જામીન સુપ્રીમે રદ્દ કર્યા
ન્યુ દિલ્હી : એમપી કોંગ્રેસના નેતા દેવેન્દ્ર ચોરસિયાની હત્યાના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વની ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ધનવાનો અને ગરીબો માટે અલગ અલગ કાયદો હોઈ ન શકે. જે કાયદો ગરીબોને લાગુ પડે છે એ જ કાયદો ધનવાનોને પણ લાગુ પડે છે.
ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બેંચે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા દેવેન્દ્ર ચોરસિયાની હત્યાના કેસમાં સુનાવણી કરી હતી. નીચલી કોર્ટે આરોપીના જામીન મંજૂર કરી દીધા હતા. તેને રદ્ કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં જે કાયદો સામાન્ય લોકોને લાગુ પડે છે એ જ કાયદો ધનવાન અને રાજકીય વગ ધરાવતા લોકોને લાગુ પડે છે. રાજકીય પાવર હોય એટલે કાયદામાં છૂટછાટ મળી શકે નહીં.
દેવેન્દ્ર ચોરસિયાની હત્યા મુદ્દે મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યના પતિને અગાઉ નીચલી કોર્ટે જામીન આપી દીધા હતા. તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ન્યાયમૂર્તિના વ્યકિતગત નિર્ણય લેવામાં અને સંબંધિત કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં ન્યાયપાલિકાના સિદ્ઘાંતોનું ઉલ્લંઘન થવું ન જોઈએ. ન્યાયપાલિકા અને કાર્યપાલિકાના વિભાજનમાં ઉલ્લંઘન થવું ન જોઈએ. ન્યાયતંત્ર રાજકીય દખલગીરીથી મુકત રહેવું જોઈએ. ન્યાયપાલિકા ઉપર રાજકીય દબાણ કરવાનું વલણ બિલકુલ યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે કાયદો ધનવાનો અને ગરીબો એમ બધા માટે સમાન છે. જે કેસમાં ગરીબ આરોપીના જામીન મંજૂર ન થઈ શકે એવા જ બીજા કેસમાં ધનવાન આરોપીના જામીન મંજૂર થાય તે યોગ્ય નથી. જિલ્લા કક્ષાની ન્યાયપાલિકા સાથે અંગ્રેજોના સમયનું વર્તન વગદાર લોકોએ બદલવું પડશે. ન્યાયતંત્ર સત્યની સાથે ઊભું રહે છે ત્યારે ઘણાં વગદાર લોકો તેમાંના લોકોને નિશાન પણ બનાવતા હોય છે, જે બિલકુલ યોગ્ય નથી.
Other News : જમ્મુ અને કાશ્મીરના બારામૂલામાં એનકાઉન્ટર, લશ્કરના બે આતંકી ઠાર