જોહનીસબર્ગ : બીસીસીઆઇના ટ્રેઝરર અરુણ ધુમલે ફરી જણાવ્યું હતુ કે, ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ જારી જ છે. અમને વિશ્વાસ છે કે સાઉથ આફ્રિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયો સિક્યોર વાતાવરણને કારણે ખેલાડીઓ સલામત રહેશેે. અમે તેમની સાથે જ છીએ અને તેમના સતત સંપર્કમાં છીએ. સાઉથ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ – ઓમીક્રોમને પગલે દુનિયાભરમાં ચિંતાનું વાતાવરણ છે. અમેરિકા-બ્રિટન સહિતના ઘણા દેશોએ સાઉથ આફ્રિકા જતી-આવતી ફ્લાઈટ્સ જ બંધ કરી દીધી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે આજે ફરી સ્પષ્ટ કર્યું હતુ કે, ટીમ ઈન્ડિયાનો ડિસેમ્બરમાં યોજાનારો સાઉથ આફ્રિકા પ્રવાસ હજુ જારી જ છે. અમે કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સાઉથ આફ્રિકાના બોર્ડે બીસીસીઆઇની સરાહના કરતાં કહ્યું છે કે, અમે ભારતીય ક્રિકેટ ટીમને ’બાયો સિક્યોર’ વાતાવરણ પુરુ પાડીશું. બ્લોઈમ્ફોન્ટેઈનમાં ઈન્ડિયા-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચેની બીજી અનઓફિશિઅલ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો.
સાઉથ આફ્રિકામાં કોરોનાનો પ્રકોપ ઉત્તરીય વિસ્તારમાં વધ્યો છે. જ્યારે ઈન્ડિયા-એ ટીમની મેચ ચાલી રહી છે, તેવા બ્લોઈમ્ફોન્ટેઈનમાં તેની સાવ નહીંવત્ અસર છે. જેના કારણે બીસીસીઆઇએ ઈન્ડિયા-એના પ્રવાસને તત્કાળ ટૂંકાવ્યો ન હોવાનું મનાય છે. સાઉથ આફ્રિકાના બોર્ડે બીસીસીઈઆઇના આ નિર્ણયને આવકાર્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે રવાના થશે
જ્યાં બંને ટીમો વચ્ચે ૧૭મી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા ત્રણ ટેસ્ટ, ત્રણ વન ડે અને ચાર ટી-૨૦ રમશે. સાઉથ આફ્રિકાની ટીમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન થયું તેને ૩૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. જેની ઉજવણી તારીખ બીજી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ કેપ ટાઉનમાં થશે.
Other News : કેપ્ટન વિરાટ કોહલીના સ્થાને આરસીબી જગ્યા ભરશે : ઈરફાન પઠાણ