અમદાવાદ : ઓમિક્રોન સ્ટ્રેનના કેસને હળવા ગણાવીને ફગાવી ન દઇ શકાય કારણ કે આ સ્ટ્રેન અન્ય કોઇપણ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપે પ્રસરી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.
એક ઇન્ટરવ્યૂમાં WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આ મોટી ચિંતાનો વિષય છે. ઓમિક્રોન ખૂબ જ ઝડપી દરે પ્રસરી રહ્યો છે જે આ પહેલાના વેરિઅન્ટમાં જોવા મળ્યું નહોતું.
દેશમાં ઓમિક્રોનનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં વધુ એક કેસ નોંધાયો છે જ્યારે દિલ્હીમાં નવા ૪ કેસ મળી આવ્યા છે જ્યારે કર્ણાટકમાં વધુ પાંચ, હૈદરાબાદમાં ચાર કેસ નોંધાયા છે. ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં ૪૩ વર્ષની એક મહિલામાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે.
આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. બીજી તરફ દિલ્હીમાં ઓમિક્રોનના નવા ૪ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૦ થઈ છે. ૧૦ પૈકી એકને રજા અપાઈ છે. ૯ની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ ૮૭ કેસ નોંધાયા છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૨ કેસ છે. સરકારે તમામ રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન સપ્લાયનું મોકડ્રિલ કરવા અને ઓમિક્રોનનું સંક્રમણ વધતું રોકી હોસ્પિટલોમાં સારવાર માટે તમામ તૈયારીઓ કરવા આદેશ આપ્યો છે.
Other News : સુરતમાં ધો.૯માં ભણતો વિદ્યાર્થી ઓમિક્રોન સંક્રમીત થયો : શહેરમાં રસીકરણ પર પુરજોરમાં શરૂ