વિરોધીઓએ રસ્તો બ્લોક કર્યો : વડાપ્રધાનનો કાફલો ૨૦ મિનિટ સુધી બ્રિજ પર અટવાયો
પંજાબ : દેશના પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આજે સવારે પીએમ મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ કમોસમી વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ ૨૦ મિનિટ રાહ જોઈ હતી.
જ્યારે હેલિકોપ્ટર ઉડી શકે તે પ્રકારના હવામાનમાં સુધારો ના થતા, એવુ નક્કી કરવામાં આવ્યું હતું કે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેવી, જેમાં ૨ કલાકથી વધુ સમય લાગશે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટિ કરવામાં આવી હતી. આ પછી વડા પ્રધાન રોડ માર્ગે પ્રવાસ માટે આગળ વધ્યા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ ૩૦ કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયેલા રહેવુ પડ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.
ગૃહ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષામાં આ પ્રકારની ખામી બાદ પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ ખાતે પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ભારે વરસાદને કારણે પીએમ મોદીની ફિરોઝપુર રેલી રદ કરવામાં આવી છે. પીએમ મોદીના શેડ્યૂલ મુજબ તેઓ અહીં રેલી સ્થળ પરથી ૪૨,૭૫૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન તેમનો કાફલો ૨૦ મિનિટ સુધી ઓવરબ્રિજ પર અટવાયો હતો.
Other News : રાજ્યમાં કેટલીક સ્કુલોમાં કોરોના કેસ વધતા વિદ્યાર્થીઓ ફરી ઓનલાઈન શિક્ષણના સહારે